ભરૂચ,
જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી નેશનલ જુનિયર સોફ્ટ ટેનિસ ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ભવ્ય સફળતા હાંસલ કરી છે.આ સ્પર્ધામાં ગુજરાતની ગર્લ્સ ટીમે ગોલ્ડ મેડલ જ્યારે બોયઝ ટીમે સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
આ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાની પ્રતિભાશાળી ખેલાડીઓ ખાનક પટેલ,દીત્યા સોલંકી અને શ્લોકા પટેલે ગુજરાતની ગર્લ્સ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.તેમના શાનદાર પ્રદર્શનના પરિણામે ગુજરાતની ગર્લ્સ ટીમે ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી.જ્યારે ભરૂચના ખેલાડી હેમ મહેતાએ ગુજરાતની બોયઝ ટીમ તરફથી ભાગ લઈને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.
ટીમ ઈવેન્ટ ઉપરાંત વ્યક્તિગત સ્પર્ધાઓમાં પણ ભરૂચના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.જેમાં ખાનક પટેલ અને ધન્વી શાહની જોડીએ ડબલ્સ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.જ્યારે હેમ મહેતાએ વ્યક્તિગત સિંગલ્સ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને પોતાની રમતકૌશલ્યનો પરિચય આપ્યો હતો.
આમ નેશનલ કક્ષાની આ સ્પર્ધામાં ભરૂચના ખેલાડીઓએ ટીમ અને વ્યક્તિગત સ્પર્ધાઓમાં કુલ ચાર મેડલ જીતવાની સિદ્ધિ મેળવી છે.આ સફળતા ખેલાડીઓની સખત મહેનત, નિયમિત અભ્યાસ અને કોચના માર્ગદર્શનનું પરિણામ છે.
ભરૂચ જિલ્લાના ખેલાડીઓની આ સિદ્ધિથી રમતગમત ક્ષેત્રે જિલ્લામાં ગૌરવપૂર્ણ વાતાવરણ સર્જાયું છે.ખેલાડીઓની આ સફળતા અન્ય યુવા ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે. ભરૂચના રમતપ્રેમીઓ અને રમતગમત અધિકારી દ્વારા તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવીને ભવિષ્યમાં વધુ ઊંચી સિદ્ધિઓ હાંસલ કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.



