દહેજની શિવાલીક રસાયણમાં કામદારને ગેસની અસર! : શ્વાસની તકલીફ છતાં રૂમ પર મોકલ્યાનો આક્ષેપ કરાયો

SHARE:

– એમ્બ્યુલન્સ હોવા છતાં હોસ્પિટલ કેમ નહીં? જેવા સવાલો ઉઠ્યા : સેફટી એન્ડ હેલ્થ વિભાગની કામગીરી શંકાના દાયરામાં 

ભરૂચ,

વાગરા તાલુકાની દહેજ GIDC સ્થિત શિવાલીક રસાયણ લિમિટેડ કંપનીમાં કામદારોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.શ્રી બજરંગ કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા એક કામદારને વાલ્વ ખોલતી વખતે મોઢાના ભાગે ગેસની અસર થઈ હોવાનો આક્ષેપ સામે આવ્યો છે.ઈજાગ્રસ્ત કામદારના જણાવ્યા મુજબ, ગેસની અસરને પગલે તેના મોઢાના ભાગે અસહ્ય બળતરા થવા લાગી હતી અને શ્વાસ લેવામાં પણ તકલીફ અનુભવાતી હતી.આવી સ્થિતિમાં કામદારને તાત્કાલિક યોગ્ય તબીબી સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની જરૂર હતી કે નહીં, તે ગંભીર તપાસનો વિષય છે.પરંતુ કામદારના આક્ષેપ મુજબ, તેને માત્ર મોઢા પર ટ્યુબ લગાવી ખાનગી વાહનમાં પોતાના રૂમ પર જવા રવાના કરી દેવામાં આવ્યો હતો.સૌથી ચોંકાવનારી બાબત એ છે કે કંપનીના પરિસરમાં એમ્બ્યુલન્સ ઉપલબ્ધ હોવા છતાં ઈજાગ્રસ્ત કામદારને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો કે નહીં અને તેને તાત્કાલિક તબીબી સારવાર કેમ ન અપાઈ, તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે.રસાયણિક ઉદ્યોગમાં કામદારોના જીવની કિંમત શું માત્ર ઉત્પાદન પૂરતી જ છે?વાલ્વ ખોલતી વખતે ગેસની અસર થવાની ઘટના સામે આવ્યા બાદ હવે કામદારોને પૂરતા સેફ્ટી સાધનો આપવામાં આવ્યા હતા કે નહીં, ગેસના સંભવિત જોખમ અંગે યોગ્ય તાલીમ અપાઈ હતી કે નહીં અને કામદારો માટેની ઇમરજન્સી મેડિકલ વ્યવસ્થા ખરેખર કાર્યરત છે કે નહીં, તેની નિષ્પક્ષ તપાસ થવી અનિવાર્ય છે.ગેસની અસરથી શ્વાસ લેવામાં તકલીફ અનુભવતા કામદારને માત્ર પ્રાથમિક ઉપાય કરીને રૂમ પર મોકલી દેવામાં આવ્યો હોવાના આક્ષેપો સાચા હોય તો આ બાબત અત્યંત ગંભીર ગણાય. કંપની સંચાલન, કોન્ટ્રાક્ટર અને સંબંધિત સુરક્ષા વિભાગની જવાબદારી આખરે ક્યાં પૂરી થાય છે? શું કામદારની તબિયત કરતાં ઔદ્યોગિક કામગીરી વધુ મહત્ત્વની બની ગઈ છે? હવે GPCB, ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામક વિભાગે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ કરવી જોઈએ.કામદારને કયા પ્રકારના ગેસની અસર થઈ, તેને યોગ્ય સારવાર મળી કે નહીં, સલામતીનાં ધોરણોનું પાલન થયું હતું કે નહીં અને ઇમરજન્સી વ્યવસ્થામાં કોઈ બેદરકારી રહી હતી કે નહીં, તે સ્પષ્ટ થવું જોઈએ.કામદારોની સુરક્ષા કાગળ પરનાં નિયમોથી નહીં,પરંતુ કટોકટીના સમયે લેવાતાં પગલાંથી સાબિત થાય છે.હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ ગંભીર આક્ષેપોની તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરશે કે પછી કામદારની સુરક્ષાનો મુદ્દો પણ ફાઈલોમાં જ દફનાઈ જશે.

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!