– જિલ્લામાં અલગ – અલગ ૬૮ સ્થળોએ પીએમ કિસાન ઉત્સવના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ખેડૂતોએ નિહાળ્યું– ભરૂચ જિલ્લામાં ૧.૭૦ લાખ ખેડૂતોને રૂ.૩૪.૫૪ કરોડ રૂા. બેંક ખાતામાં જમા કરાયા
(સંજય પટેલ, જંબુસર)
ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા અને ખેતી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાના હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી ભરૂચ જિલ્લાના જંબુસરના બીએસપીએસ સ્વામી નારાયણ મંદિર ખાતે કરવામાં આવી હતી.
માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૪મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો હતો.તે કાર્યક્રમને સમાંતર જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાનો કાર્યક્ર્મ યોજાયો હતો.જંબુસર ખાતે જિલ્લા કક્ષાના યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને ખેડૂતોએ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને વિવિધ યોજનાઓ અને નવા વિકાસ કામો સાથે વડાપ્રધાનનું સંબોધન નિહાળ્યું હતું.
આ પ્રસંગે જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીએ, ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારથી સત્તામાં બેઠા છે ત્યારથી ખેડૂતનું હિત સર્વોપરી રાખ્યું છે.જેનો દાખલો આપણી સામે છે.આજે પી.એમ કિસાન ઉત્સવ દિવસ ઉજવણી કાર્યક્રમ હેઠળ ૨૪માં હપ્તામાં ભરૂચ જિલ્લામાં ૧.૭૦ લાખ ખેડૂતોને રૂ.૩૪.૫૪ કરોડ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા છે.ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં દરમ્યાન પ્રાસંગિક ઉદબોધન જિલ્લા કલેક્ટર ડૉ.નવનાથ ગવ્હાણેએ કર્યું હતું.જેમાં ભરૂચ જિલ્લાના ખેતીક્ષેત્રની હરણફાળ અને યોજનાઓની સંતૃપ્તિનો ચિતાર રજૂ કર્યો હતો.આ પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ દરમ્યાન જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોનું મહાનુભાવો હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.ખેડૂતો માટે ખેતીલક્ષી લાભ વિતરણ, આધુનિક ખેતી પદ્ધતિઓ તેમજ સરકારની વિવિધ સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ તકે નગર પાલિકા પ્રમુખ ચૈતાલી પ્રજાપતિ, પંચાયતના પ્રમુખ કિરણબા જાધવ,જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે,જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, પ્રાંત અધિકારી સુપ્રિયા ગાંગુલી,જિલ્લા ખેતીવાડી કુલદીપ વાળા, ડી.આર.ડી.એના અધિકારી આર.એમ.જાલંધરા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ,આગેવાનો, વડીલો અને લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે, ભરૂચ જિલ્લામાં ગ્રામ્ય કક્ષા, તાલુકા કક્ષા મળીને કુલ ૬૮ જેટલા સ્થળોએ પીએમ કિસાન ઉત્સવના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ખેડૂતોએ નિહાળ્યું હતું.જેમાં તાલુકા પ્રમુખઓ, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો, પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી તથા APMC, જિલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ ગામોના તલાટી કમ મંત્રીઓ, સરપંચો, ગામલોકો તથા ખેડૂતો હાજર રહ્યા હતા.પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૨૪માં હપ્તા અંતર્ગત ભારત દેશના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧૮,૬૮૦ કરોડથી વધુની સહાયની સાથે ગુજરાતના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત પરિવારોને ૧,૦૫૧ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.અત્યાર સુધી યોજનાના પ્રથમ ૨૩ હપ્તા અંતર્ગત દેશના ૧૧ કરોડથી વધુ ખેડૂત પરિવારોને કુલ ૪.૪૭ લાખ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.જ્યારે ગુજરાતના ૬૯.૨૬ લાખથી વધુ લાભાર્થી ખેડૂતોને ૨૪,૧૩૭ કરોડથી વધુની સહાય મળી ચૂકી છે.




