– અમદાવાદના મિત્રો વલસાડથી અમદાવાદ પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં અકસ્માત થતા ફોર વ્હિલર ગાડીને નુકસાન
(જ્યશીલ પટેલ, ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં દિવસેદિવસે વધતા જતા અકસ્માતોને પગલે લોકોમાં ચિંતા ફેલાઇ છે. અકસ્માતની અન્ય એક ઘટનામાં મુલદ બ્રીજ નજીક લક્ઝરી બસે ફોરવ્હીલ કારને પાછળથી ટક્કર મારતા કારના પાછળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બસચાલક અકસ્માત સર્જી વાહન મૂકી ફરાર થઇ ગયો હતો.
મળતી વિગતો મુજબ અમદાવાદના બોપલ દસ્ક્રોઈ વિસ્તારમાં રહેતા ૫૮ વર્ષીય ભવરસિંઘ જોગસિંહ રાજપૂત બ્રિગેડ સિક્યોરિટી એજન્સીમાં નોકરી કરે છે.તેઓ ગત તા. ૨ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ તેમના મિત્રો વિનોદસિંહ રાજપૂત તથા રાજુ કુશવાહ સાથે સાંજના સમયે ધરમપુર વલસાડથી પોતાની ફોરવ્હીલ ગાડી લઈને અમદાવાદ જવા નીકળ્યા હતા. દરમ્યાન રાત્રિના આશરે સાડા નવ વાગ્યાના અરસામાં તેઓ મુલદ બ્રિજ પસાર કરી ટોલ પ્લાઝા તરફ જઈ રહ્યા હતા, તે સમયે તેમની કારની પાછળ એક લક્ઝરી બસ આવી રહી હતી.કારચાલક પોતાની કાર પ્રથમ ટ્રેક પર ચલાવી રહ્યા હતા ત્યારે પાછળથી આવતી લક્ઝરી બસના ચાલકે કારને પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી.આ ટક્કરના કારણે કારને નુકસાન થયું હતું.કારના પાછળના ભાગમાં બમ્પર અને પાછળના દરવાજા સહિતના ભાગોને નુકસાન થયું હતું.અકસ્માત બાદ લક્ઝરી બસનો ચાલક બસ માંથી નીચે ઉતરીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.સદ્દભાગ્યે આ અકસ્માતમાં કોઈને કોઈપણ જાતની ઈજા થઈ નહતી.અકસ્માતની આ ઘટના સંદર્ભે કાર માલિક ભવરસિંઘ રાજપૂતે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે અકસ્માત બાદ પોતાનું વાહન સ્થળ ઉપર મુકીને નાશી ગયેલ લક્ઝરી બસના અજાણ્યા ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર તપાસ હાથધરી હતી.



