નર્મદાનો જંગલ જમીનનો મુદ્દો ફરી ગરમાયો : 500 ખેડૂતોને સનદ,626 ખેડૂતોની મહેસૂલી એન્ટ્રી કરવામાં આવી છતાં ઉમરપાડાના ખેડૂતોમાં અસંતોષ

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના મંચ પરથી વર્ષોથી આદિવાસી ખેડૂતો માટે પડકારરૂપ બનેલો સાગબારા જંગલ જમીનનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો હતો.એક તરફ અંદાજે 500 ખેડૂતોને જંગલ જમીનના સનદ આપવામાં આવ્યા, તો બીજી તરફ 626 ખેડૂતોની જમીનની મહેસૂલી એન્ટ્રી પણ કરવામાં આવી હતી. જોકે, ઉમરપાડા વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતોને માત્ર 15 સનદ મળતાં અનેક ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી.એક તરફ હક મળ્યાની ખુશી તો બીજી તરફ હજુ પણ હકથી વંચિત રહેલા ખેડૂતોનો અસંતોષ…ત્યારે શું સાગબારા જંગલ જમીનનો વર્ષો જૂનો પ્રશ્ન સંપૂર્ણપણે ઉકેલાશે?

ડેડીયાપાડામાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિની ઉજવણી માત્ર આદિવાસી ગૌરવ અને શૌર્યની યાદ સુધી સીમિત રહી નહોતી, પરંતુ આદિવાસી સમાજના વર્ષો જૂના જંગલ જમીનના અધિકારનો મુદ્દો પણ કેન્દ્રસ્થાને રહ્યો હતો.

ખાસ કરીને સાગબારા તાલુકાના જંગલ જમીનના ખેડૂતો લાંબા સમયથી પોતાના હકપત્રો અને જમીનની મહેસૂલી એન્ટ્રી માટે લડત આપી રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમમાં ખેડૂતોને સનદ અને મહેસૂલી એન્ટ્રીનો લાભ આપવામાં આવતાં એક વર્ગમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.આજે અંદાજે 500 જેટલા ખેડૂતોને જંગલ જમીનના સનદ આપવામાં આવ્યા હતા. જ્યારે 626 ખેડૂતોની જમીનની મહેસૂલી એન્ટ્રી બાકી હોવાથી તેમની એન્ટ્રી પાડવાની કામગીરી પણ કરવામાં આવી હતી.

આ નિર્ણયથી અનેક ખેડૂતોને વર્ષો બાદ પોતાના જમીન અધિકારની દિશામાં મોટી રાહત મળી છે. જોકે, આ સમગ્ર પ્રક્રિયામાં ઉમરપાડા વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતોને માત્ર 15 સનદ આપવામાં આવતાં ખેડૂતોમાં નારાજગી પણ સામે આવી હતી.

નર્મદા જિલ્લામાં હજુ પણ અંદાજે 8 હજાર જંગલ જમીનના દાવા પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે. જેના કારણે અનેક પરિવારો હજુ પણ પોતાના હકપત્રોની રાહ જોઈ રહ્યા છે.એક તરફ કેટલાક ખેડૂતોને વર્ષોની લડત બાદ સનદ અને મહેસૂલી એન્ટ્રી મળતાં તેમની આશા પૂર્ણ થઈ છે, તો બીજી તરફ બાકી રહેલા ખેડુતોને સનદ અને મહેસુલી એન્ટ્રી ક્યારે મળશે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!