ભરૂચના ઈતિહાસમાં પ્રમુખસ્વામી મહારાજના નામનું ગૌરવ – ૧૦ વર્ષની પ્રેરણાદાયી સ્મૃતિ

SHARE:

– ભરૂચ નગરપાલિકાએ ૧૮ નવેમ્બર, ૨૦૧૬ના રોજ વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજની પાવન સ્મૃતિમાં માર્ગનું નામકરણ કર્યું હતું

ભરૂચ, 

એક માર્ગ, એક નામ અને લાખો હૃદયોમાં જીવંત એક મહાન સંતની સ્મૃતિ!

ભરૂચ શહેરના ઈતિહાસમાં કેટલીક ઘટનાઓ માત્ર ઐતિહાસિક નોંધ બનીને નથી રહેતી,પરંતુ આવનારી પેઢીઓ માટે પ્રેરણાનું અવિરત ઝરણું બની રહે છે.આવી જ એક ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ઘટના એટલે ભરૂચ નગરપાલિકા દ્વારા વિશ્વવંદનીય સંતવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પાવન સ્મૃતિમાં કસક સર્કલ થી ઝાડેશ્વર ચોકડી સુધીના માર્ગનું ‘પ્રમુખસ્વામી માર્ગ’ તરીકે કરવામાં આવેલું નામકરણ.

૧૮ નવેમ્બર ૨૦૧૬ ના રોજ ભરૂચ નગરપાલિકા દ્વારા કસક સર્કલ થી ઝાડેશ્વર ચોકડી સુધીના આશરે ૪.૫ કિલોમીટર લાંબા માર્ગનું નામકરણ ‘પ્રમુખસ્વામી માર્ગ’ તરીકે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગના સાક્ષીરૂપે માર્ગ પર સ્થાપિત કરવામાં આવેલ શિલાલેખ આજે પણ આ ઐતિહાસિક નિર્ણયની યાદ અપાવે છે. શિલાલેખમાં તે સમયના નગરપાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓનાં નામ પણ અંકિત કરવામાં આવ્યા છે.

આ ઐતિહાસિક નામકરણને ૧૮ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ ૧૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે.આ અવસર ભરૂચ શહેર માટે ગૌરવ, કૃતજ્ઞતા અને આધ્યાત્મિક સ્મરણનો વિશેષ પ્રસંગ છે.

પ્રમુખસ્વામી મહારાજ – માનવતાના મૂર્તિમંત ઉપાસક

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો જન્મ તા. ૭ ડિસેમ્બર, ૧૯૨૧ના રોજ ગુજરાતના ચાણસદ ગામે થયો હતો. તેમનું બાળપણનું નામ શાંતિલાલ હતું. ગુરુશ્રી શાસ્ત્રીજી મહારાજ પાસેથી તા.૧૦ જાન્યુઆરી, ૧૯૪૦ના રોજ દીક્ષા પ્રાપ્ત કર્યા બાદ તેઓ નારાયણસ્વરૂપદાસ સ્વામી તરીકે ઓળખાયા.

તા. ૨૧ મે ૧૯૫૦ ના રોજ શાસ્ત્રીજી મહારાજે તેમને BAPS સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા.ત્યાર બાદ યોગીજી મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ તેમણે સંસ્થાની સેવા કરી. વર્ષ ૧૯૭૧માં યોગીજી મહારાજના અક્ષરધામગમન બાદ તેઓ BAPS સંસ્થાના આધ્યાત્મિક ગુરુ બન્યા.

તેમનું સમગ્ર જીવન માનવતા, નમ્રતા, નિઃસ્વાર્થ સેવા, કરુણા અને ભગવાન પ્રત્યેની અખંડ ભક્તિનું જીવંત ઉદાહરણ હતું.

તેમનો જીવનમંત્ર હતો.

“બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના સુખમાં આપણું સુખ છે.”

આ એક વાક્યમાં તેમના સમગ્ર જીવનનું તત્ત્વજ્ઞાન સમાયેલું છે.

વિશ્વવ્યાપી આધ્યાત્મિક અને સામાજિક યોગદાન

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન વિશ્વભરમાં આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને માનવસેવાનો અભૂતપૂર્વ વારસો સ્થાપ્યો હતો.

તેમના જીવનકાર્યની કેટલીક નોંધપાત્ર વિશેષતાઓ:

વિશ્વભરમાં ૧૧૦૦ થી વધુ મંદિરોનું નિર્માણ અને પ્રતિષ્ઠા.

ભારત અને વિદેશમાં ૧૭૦૦૦ થી વધુ ગામો, નગરો અને શહેરોમાં વિચરણ.

૨,૫૦,૦૦૦ થી વધુ પરિવારોનાં ઘરોમાં પધરામણી.

૮,૧૦,૦૦૦ થી વધુ વ્યક્તિઓને વ્યક્તિગત માર્ગદર્શન અને સાંત્વના.

૭,૦૦,૦૦૦ થી વધુ પત્રો વાંચીને વ્યક્તિગત પ્રત્યુત્તર.

યુવાનોમાં વ્યસનમુક્તિ, ચારિત્ર્યનિર્માણ અને આધ્યાત્મિક જાગૃતિ માટે વિશેષ પ્રયાસો.

ગાંધીનગર અને દિલ્હીના અક્ષરધામ જેવા ભવ્ય સાંસ્કૃતિક સંકુલો ભારતીય સંસ્કૃતિ, કલા, સ્થાપત્ય અને આધ્યાત્મિક વારસાને વિશ્વ સમક્ષ રજૂ કરનારા અદ્વિતીય સર્જનો છે.

તેમણે શિક્ષણ, આરોગ્ય, આપત્તિ રાહત, પર્યાવરણ સંરક્ષણ, વ્યસનમુક્તિ અને માનવસેવા ક્ષેત્રે પણ પ્રેરણાદાયી કાર્યો કર્યાં હતાં.

ભરૂચને મળેલું આધ્યાત્મિક ગૌરવ

ભરૂચ નગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૧૬ માં કરવામાં આવેલ આ નામકરણને વિશેષ મહત્ત્વ એટલા માટે છે કે તે એક મહાન સંતના જીવનકાર્ય પ્રત્યે સ્થાનિક નગરપાલિકા અને નગરજનોની કૃતજ્ઞતા તથા આદરભાવને પ્રગટ કરે છે.

શહેરના માર્ગને પ્રમુખસ્વામી મહારાજનું નામ આપવું એ માત્ર વહીવટી નિર્ણય નહોતો, પરંતુ તેમના જીવનમૂલ્યોને ભરૂચની નગરસંસ્કૃતિ સાથે જોડવાનો એક સુંદર પ્રયાસ હતો.

આજે પણ ‘પ્રમુખસ્વામી માર્ગ’નું નામ વાંચતાં જ તેમની સાદગી, નિર્મળતા, કરુણા, સંપ, સુહૃદભાવ અને નિઃસ્વાર્થ સેવાનું સ્મરણ થાય છે.

આ માર્ગ પરથી પસાર થતી ભાવિ પેઢીઓને પણ આ નામ દ્વારા એક મહાન સંતના જીવન અને સંદેશની પ્રેરણા મળતી રહેશે.

૧૦ વર્ષની સ્મૃતિ – કૃતજ્ઞતા અને સંકલ્પનો અવસર

૧૮ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ આ નામકરણને ૧૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચના નાગરિકો માટે આ ઐતિહાસિક પ્રસંગનું સ્મરણ કરવું ગૌરવની વાત છે.

આ પ્રસંગે વર્ષ ૨૦૧૬ માં આ નામકરણનો નિર્ણય લેનાર ભરૂચ નગરપાલિકાના તે સમયના હોદ્દેદારો, અધિકારીઓ તથા આ કાર્યમાં સહભાગી તમામ મહાનુભાવોનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરીએ.

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે પોતાના જીવન દ્વારા આપણને શીખવ્યું કે સાચી મહાનતા પદ, પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિમાં નહીં, પરંતુ બીજાના જીવનમાં સુખ, શાંતિ અને આનંદ લાવવામાં છે.આથી આ ૧૦ વર્ષની સ્મૃતિ માત્ર એક માર્ગના નામકરણની વર્ષગાંઠ નથી, પરંતુ સેવા, સંસ્કાર, સમર્પણ અને માનવતાના મૂલ્યોને પુનઃજીવંત કરવાનો અવસર છે.પ્રમુખસ્વામી મહારાજના જીવનમંત્રને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરીએ અને ભરૂચની આ ગૌરવશાળી સ્મૃતિને આવનારી પેઢીઓ સુધી જીવંત રાખીએ.

 

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!