– શ્રી ગણેશ શ્રેષ્ઠ પંડાલની પ્રતિયોગિતામાં ઓપરેશન સિંદૂર’ અને ‘સ્વદેશી’ ચીજવસ્તુના વપરાશની થીમનો સમાવેશ કરવા અનુરોધ
– પર્યાવરણ-પ્રેમી ગણેશોત્સવ અને ફિટનેસની ઉજવણી : ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાએ નાગરિકોને કરી ખાસ અપીલ
– ૩૧ ઓગસ્ટ ભરૂચમાં આયોજિત ‘સન્ડે ઓન સાઈકલ’ સાયક્લોથોનમાં સહભાગી થવા ભરૂચવાસીઓને જિલ્લા વહીવટીતંત્ર દ્નારા અનુરોધ
ભરૂચ,
ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં “ગણેશચતુર્થી” તથા “નેશનલ સ્પોર્ટ્સ ડે” ને અનુલક્ષીને કલેક્ટર કચેરી ભરૂચના સભાખંડમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
કલેક્ટરે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે આગામી ગણેશોત્સવ તહેવારને ઓપરેશન સિંદૂર જેવા ગૌરવવંતી પગલાંની ઝાંખી કરાવી દેશપ્રેમને ઉજાગર કરવા, આપણાં દેશનાં સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહને મળે તેમજ લોકોમાં રાષ્ટ્રસેવા પ્રત્યેની જાગૃતિ આપે તેવા પ્રકારનાં પંડાલની વ્યવસ્થા કરી ધાર્મિક લાગણીની સાથે-સાથે દેશ માટે અમૂલ્ય યોગદાનની થીમ પર ગણેશોત્સવનું આયોજન કરવા આયોજકોને અપીલ કરી હતી.આ પ્રતિયોગિતા વિશે જણાવ્યુ કે, ગાંધીનગરના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા ગણેશચતુર્થીના તહેવારને અનુલક્ષીને રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય અને પરંપરાગત લોકસંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતા-૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે રાજ્યનાં ૨૯ જિલ્લાઓ માંથી પસંદગી પામેલ પંડાલોમાંથી ૧ થી ૩ ક્રમે આવેલ ગણેશ પંડાલનાં વિજેતાઓને ગુજરાત સરકાર તરફથી પ્રથમ ક્રમે વિજેતાને રૂ.૫ લાખ, દ્વિતીય ક્રમે વિજેતાને રૂ. ૩લાખ, તૃતીય ક્રમે વિજેતાને રૂ.૧ લાખ ૫૦ હજાર રોકડ પુરસ્કાર આપવામાં આવશે. તેમજ અન્ય પાંચ ગણેશ પંડાલને પ્રોત્સાહન પેટે દરેકને રૂ.૧ લાખ રોકડ પુરસ્કાર આપવામાં આવશે.શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતામાં ભાગ લેવા ઈચ્છુક ભરૂચના લોકોએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, હોસ્ટેલ ગ્રાઉન્ડ, સેવાશ્રમ રોડ,ભરૂચ ખાતેથી ફોર્મ મેળવી તા.૨૮/૦૮/૨૦૨૫ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં પરત કરવાના રહેશે.
આ ઉપરાંત ભરૂચ નગરપાલીકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે પવિત્ર વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. જ્યાં જે.બી મોદી પાર્ક ખાતે પાંચમાં, સાતમા અને છેલ્લા દીવસે વિસર્જન કરવામાં આવતી મૂર્તિઓનું વિસર્જન કરી શકાશે. જ્યારે મકતમપુર અને ગાયત્રી મંદિરની પાછળ આવેલા પવિત્ર વિસર્જન કુંડમાં ફક્ત છેલ્લા દીવસે જ ભક્તો વિસર્જન કુંડમાં જ મૂર્તિઓ વિસર્જિત કરી શકશે.વધુમાં ૨૮ ઓગસ્ટ નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતગર્ત ભરૂચમાં આયોજિત કાર્યક્રમો અંગે કલેક્ટરે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં તા. ૨૮ થી તા. ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.તા.૨૮મી ના રોજ શાળાકક્ષાએ નેશનલ સ્પોર્ટ્સ ડે અંર્તગત નિબંધ લેખન અને ચિત્ર સ્પર્ધા યોજાશે,તા.૨૯ મી ઓગસ્ટે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ એમીકશ ઈન્ટનેશલ સ્કૂલ લુવારા ખાતે યોજાશે.તા. ૩૦ મીએ સ્કૂલોમાં મેદાનને અનુરૂપ પરંપરાગત વિવિધ રમતોનું આયોજન અને તા.૩૧ ઓગસ્ટના રોજ ભરૂચ શહેરમાં ‘સન્ડે ઓન સાઈકલ’ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.સવારે ૬. ૩૦ કલાકે કલેક્ટર કચેરીના પટાંગણ થી સાયક્લોથોનનો પ્રારંભ થશે. જે શકિતનાથ – શકિતનાથ થી પાંચબત્તિ, પાંચબત્તિ થી સ્ટેશન, ત્યાંથી પરત શાલીમાર થઈ સિવિલ હોસ્પિટલ રોડ અને કલેક્ટર કચેરી ખાતે પૂર્ણ થશે. સાયક્લોથોનમાં ભરૂચ જિલ્લાના તમામ અધિકારી, કર્મચારીઓ, વિવિધ સંસ્થાઓ, ખેલાડીઓ, સામાજિક કાર્યકર્તાઓ, મહાનુભાવો સહિતના જોડાશે.
કલેકટર ગૌરાંગ મકવાણાએ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતામાં ભાગ લેવા અને ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓની પૂજા કરવા તથા તા.૨૮ ઓગસ્ટ નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતગર્ત ભરૂચમાં આયોજિત ‘સન્ડે ઓન સાઈકલ’ સાયક્લોથોનમાં સહભાગી થવા ભરૂચવાસીઓને અપીલ કરી હતી.
આ પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે,ઈન્ચાર્જ પોલીસવડા અજય મીના તથા પ્રેસ મીડિયાના પ્રતીનીધીઓ ઉપસ્થિત રહ્યા હતા.




