– સરદાર પટેલ સાહેબની વિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરી : એકતાનગર વિસ્તારોનો વિકાસ અને પ્રાકૃતિક સૌંદર્યથી પ્રભાવિત થયા
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ભારતીય નૌકાદળના વડા, એડમિરલ દિનેશકુમાર ત્રિપાઠી, પી.વી.એસ.એમ,એ.વી.એસ.એમ, એન.એમ આજરોજ એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પધાર્યા હતા.એડમિરલે નાગરિકો-પર્યટકોને “એક ભારત, શ્રેષ્ઠ ભારત” નો આદર્શ સંદેશ આપતી વોલ ઓફ યુનિટીને નિહાળીને ગૌરવની લાગણી અનુભવી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં તેઓએ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી વિશાળ પ્રતિમાના ચરણોમાં પુષ્પ અર્પણ કરીને ભાવવંદના કરી હતી.એડમિરલ ત્રિપાઠી,એકતાનગરની આસપાસના વિસ્તારોનો વિકાસ અને પ્રાકૃતિક સૌંદર્યથી પ્રભાવિત થયા.હતા.
નોંધપોથીમાં પોતાના પ્રતિભાવો ઉમેરતાં એડમિરલે જણાવ્યું કે ગુજરાતના એકતાનગર ખાતે નર્મદા નદીના કિનારે નિર્મિત વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન કરવાનો અવસર મારા માટે ગૌરવ અને સૌભાગ્યની વાત છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ મહાકાય પ્રતિમાની કલ્પના, નિર્માણકાર્ય અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે જોડાયેલી તમામ માહિતી મેળવીને હું અત્યંત પ્રભાવિત થયો છું.
તેમણે ઉમેર્યું કે.આ અદભૂત પ્રતિમા માત્ર શિલ્પ નથી, પરંતુ ભારતની એકતા, દેશપ્રેમ અને ઊર્જાસભર રાષ્ટ્રભાવનાનું જીવંત પ્રતિક છે.સ્વતંત્રતા પછી ભારતના એકીકરણના સુવર્ણ ઈતિહાસને ફરી એકવાર અનુભવી શકવું મારા માટે અત્યંત પ્રેરણાદાયક અને જ્ઞાનપ્રદ અનુભવ સાબિત થયો છે. તેઓએ આગતાસ્વાગતા માટે સ્થાનિક પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો.
નેવી ચીફે.પરિસરમાં સરદાર સાહેબના પ્રાસંગિક તથા ઐતિહાસિક જીવન કવનની ઝાંખી કરાવતી તસ્વીરી પ્રદર્શન નિહાળીને ઝીણવટપૂર્ણ માહિતીથી વાકેફ થયા હતા. ત્યારબાદ સરદાર સાહેબના પ્રતિમાના હ્રદયસ્થાનેથી વિધ્યાંચલ-સાતપૂડા ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળી ધન્યતા અનુભવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલાત્રિપાઠીને સ્ટેચ્યુ ઓફ યુનિટી – ઓથોરિટીના નાયબ કલેકટર અભિષેક સિન્હા દ્વારા સ્મૃતિચિન્હરૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અર્પણ કરાઈ હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ સાંજની વેળાએ એડમિરલે સરદાર સાહેબના જીવન કવન અને વિશ્વની વિરાટ પ્રતિમાના નિર્માણની ઝીણવટભરી માહિતી લેસર શોના માધ્યમથી મેળવીને પ્રસન્નતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.




