– આજે સોનાની ચેનની ચોરી થઈ છે તેની તપાસમાં અમને ઉપરથી મોકલ્યા છે એમ કહીને મહિલાને વિશ્વાસમાં લીધી
– ચોરનો ખોટો ડર બતાડી પાકીટમાં મુકાવેલ દાગીના ચેક કરવાના બહાને સોનાના પાટલા ઉઠાવી ગયા
(વિજય વસાવા,નેત્રંગ)
ભરૂચ જીલ્લાના નેત્રંગ ખાતે પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને બે ઇસમો એક વૃધ્ધ મહિલાના સોનાના રૂપિયા ૧.૮૦ લાખના દાગીના લઇને છુ થઇ ગયા હતા.
નેત્રંગ પોલીસ માંથી મળતી વિગતો મુજબ નેત્રંગ ગામે અંકલેશ્વર રોડ પર રહેતા જ્યોતિબેન ઈશ્વરભાઇ દેસાઈ નામના ૬૮ વર્ષીય મહિલા તેમના ઘરે એકલા રહે છે.તેમની પાસે બે તોલા વજનનો સોનાનો દોરો અને ત્રણ તોલા વજનના સોનાના પાટલા હતા.જે તેઓ પહેરી રાખતા હતા.ગતરોજ તા.૧ લીના રોજ જ્યોતિબેન બપોરના બાર વાગ્યાના અરસામાં બેન્કના કામ માટે નેત્રંગના જીનબજાર ખાતે આવેલ બેન્કમાં ગયા હતા.બેન્કનું કામ પતાવીને તેઓ ચાલતા ચાલતા ઘરે પાછા જતા હતા.તે દરમ્યાન એક અજાણ્યો ઈસમ તેમની પાસે આવ્યો હતો અને તેણે પોતે પોલીસ હોવાનું જણાવી કહ્યું હતું કે આજે એક બહેનની સોનાની ચેઇન કોઈ લઈને જતું રહ્યું હોવાથી તેની તપાસ માટે અમને ઉપરથી અહિંયા મોકલેલ છે.તેમ કહીને તે ઈસમે જ્યોતિબેનને વિશ્વાસમાં લઇને તેમણે પહેરેલ સોનાના દાગીના પાકીટમાં મુકી દેવા જણાવ્યું હતુ.જ્યોતિબેને આ અજાણ્યા ઈસમની વાતોમાં આવી જઈને તેમણે પહેરેલ દાગીના પોતાના પાકીટમાં મુકી દીધા હતા.ત્યાર બાદ પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપનાર અજાણ્યા ઈસમે જ્યોતિબેને દાગીના બરાબર પાકીટમાં મુક્યા છે કે કેમ તે જોવાનું કહીને જ્યોતિબેન પાસે પાકીટ માંગ્યું હતું.તેથી જ્યોતિબેને તેને પાકીટ આપતા તે ઈસમે પાકીટ ચેક કરીને જ્યોતિબેનને પાછું આપી દીધું હતું.ત્યાર બાદ એક બીજો અજાણ્યો ઈસમ મોટર સાયકલ લઈને આવતા આગળ આવેલ ઈસમ ફટાફટ મોટરસાયકલ પર બેસી ગયો હતો અને તે લોકો ત્યાંથી નીકળી ગયા હતા.ત્યાર બાદ જ્યોતિબેનને શક જતા તેમણે પાકીટ ખોલીને જોયું તો તેમાં સોનાનો દોરો હતો પણ પાટલા (બંગડી) ગાયબ હતા.જ્યોતિબેન મોટરસાયકલ પર ભાગતા ઈસમોની પાછળ બુમો પાડતા દોડવા લાગેલ પરંતું તેઓ ઉભા રહ્યા નહતા.આ ઘટનામાં પોલીસ તરીકે ખોટી ઓળખ આપનાર અજાણ્યા બે ઈસમો જ્યોતિબેનને વિશ્વાસમાં લઇને રૂપિયા ૧.૮૦ લાખની કિંમતના સોનાના પાટલા (બંગડી) લઈને નાશી ગયેલ હોઈ નેત્રંગ પોલીસે જ્યોતિબેન દેસાઈની ફરિયાદ મુજબ ઉપરોક્ત બે અજાણ્યા ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર તપાસ હાથધરી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is