– મુલદ ઓવર બ્રીજ નજીક ટેન્કર અન્ય વાહનની પાછળ અથડાતા ટેન્કર ચાલકનું મોત-બીજા અકસ્માતમાં ટેન્કરની ટક્કરે ફોર વ્હિલ કારને નુકશાન
– મરણ પામેલ ટેન્કર ચાલકનો મૃતદેહ બે દિવસ ટેન્કરની કેબિનમાં પડી રહેતા તેમાં જીવડા પડી ગયા હતા : રોજના હજ્જારો વાહનોની અવરજવર વાળા હાઈવે પર બે દિવસ ટેન્કર પડી રહ્યું તે એક અજાયબી ગણાય!
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકમાં બે અલગ અલગ અકસ્માતોમાં એક ટેન્કર ચાલકનું મોત થયું હતું.જ્યારે અન્ય અકસ્માતમાં એક ટેન્કરની ટક્કરે ફોર વ્હિલર કારને નુકશાન થયું હતું. ઝઘડિયા પોલીસ માંથી પ્રાપ્ત વિગતો અનુસાર મુળ પંજાબના સંતોખસીંગ કરતારસીંગ નામના ૫૧ વર્ષીય ઈસમ કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં નોકરી કરતા હતા. તા.૩૧ મી ઓગસ્ટના રોજ સંતોખસીંગ ભરૂચ જિલ્લાના દહેજ ખાતેની એક કંપનીમાંથી ટેન્કરમાં કેમિકલ ભરીને રાતના દમણ જવા નીકળ્યા હતા. ત્યાર બાદ સંતોખસીંગના ગામના પાડોશી અને સંતોખસીંગ સાથે ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા સુખદેવસીંગ ઈનાર (શીખ) પંજાબના ભટિંડા ખાતેથી ટેન્કરમાં કેમિકલ ભરીને દહેજ આવવા નીકળ્યા હતા.તેઓ તા.૨ જીના રોજ દહેજ પહોંચ્યા ત્યારે તેમને જાણ થઈ હતી કે સંતોખસીંગના ટેન્કરને ભરૂચ માંડવા ટોલનાકાથી મુલદ તરફ જતા રોડ પર અકસ્માત થયો છે.ત્યાર બાદ સુખદેવસીંગ દહેજથી ઝઘડિયા પોલીસ મથકે આવ્યા ત્યારે તેમને જાણ થઇ હતી કે સંતોખસીંગનું ટેન્કર કોઈ અજાણ્યા મોટા વાહનના પાછળના ભાગે અથડાઈ ગયું હતું. આ અકસ્માતમાં સંતોખસીંગ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોઈ તેમનું મોત થયું હતું અને ત્યારબાદ બે દિવસ તેમનો મૃતદેહ ટેન્કરની કેબિનમાં પડી રહ્યો હોય મૃતદેહ પર જીવડા પડી ગયા હતા.આ સંદર્ભે સુખદેવસીંગ અજયબસીંગ ઈનાર મુળ રહે.પંજાબનાએ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.
ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈવે પર દરરોજ હજ્જારોની સંખ્યામાં વાહનો આવજાવ કરે છે તેમજ ટ્રાફિક પોલીસનું પણ પેટ્રોલિંગ હોય છે.ત્યારે બે દિવસ અકસ્માત થયેલ ટેન્કરની કેબિનમાં ડ્રાઈવરનો મૃતદેહ પડી રહે તે વાત એક અજાયબી ગણાય ! કોઈએ માનવતાની દ્રષ્ટિએ પણ આ અકસ્માત થયેલ વાહન તરફ નહી જોયું હોય? અકસ્માતની બીજી ઘટના મુજબ ભરૂચના ઝાડેશ્વર ખાતે રહેતા સંદીપભાઇ શાહ ઝઘડિયા જીઆઈડીસીની એક કંપનીમાં નોકરી કરે છે,તેઓ ગતરોજ તા.૪ થીના રોજ સવારમાં તેમની ફોર વ્હિલ ગાડી લઈને નોકરીએ જવા નીકળ્યા હતા.તે દરમ્યાન તેઓ કપલસાડી ગામ તરફ વળતા હતા ત્યારે એક ટેન્કર તેમની ગાડી તરફ વળતા ગાડી સાથે ઘસાયું હતું આ ઘટનામાં ફોર વ્હિલર ગાડીને નુકશાન થતાં સંદીપભાઈ શાહે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.




