– સાંસદ પરીવહન વિભાગના અધીકારી સાથે સ્થળ નિરીક્ષણ કરી ચુક્યા છે
– સાંસદ ૩ કરોડના ખર્ચે દિવ્યભવ્ય બસ ડેપો તરફેણમાં : ધારાસભ્ય પીકઅપ બસ સ્ટેન્ડની તરફેણ કરતા હોવાથી મામલો ગરમાયો
– નેત્રંગ તાલુકા પંચાયતના અધીકારીઓ વર્ક ઓર્ડરની કામગીરી કરતાં સાંસદ વિફર્યા
(વિજય વસાવા,નેત્રંગ)
ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકા મથકે આવેલ જીલ્લા પંચાયતના ગેસ્ટહાઉસના ટેકરાને તોડીને રૂ.૩ કરોડના ખર્ચે અત્યાઆધુનિક સુવિધાથી સજ્જ બસડેપોના નિર્માણ માટે ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવા માર્ગ-પરીવહન વિભાગના અધીકારી સાથે સર્વે હતો.ત્યાર બાદ ભરૂચ જીલ્લા પંચાયતની સભામાં ઠરાવ કરીને જીલ્લા પંચાયત હસ્તકની જમીનનું સંપાદન કરીને બસ ડેપોના નિર્માણ માટે જગ્યાની ફાળવણી કરાઈ હતી.આગામી ટુંક સમયમાં નેત્રંગ તાલુકા મથકે નર્મદા જીલ્લાના સેલંબા અને ભરૂચ જીલ્લાના આમોદ તાલુકા જેવું દિવ્યભવ્ય બસ ડેપોના નિર્માણની કામગીરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.તેવા સંજોગોમાં નેત્રંગ તા.પંચાયત અધીકારીઓએ નેત્રંગ તાલુકા મથકે ધારાસભ્ય રિતેશ વસાવાના નામથી પીકઅપ બસ સ્ટેન્ડના નિર્માણ માટેના વર્ક ઓર્ડરની તૈયારી કરતાં ભરૂચ સાંસદ મનસુખ વસાવા વિફર્યા છે.તેવા સંજોગોમાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય રિતેશ વસાવા વચ્ચે વિવાદ વધુ વકર્યો છે.નેત્રંગ તાલુકા મથકે ૩ કરોડના ખર્ચે અત્યાઆધુનિક બસ ડેપો જ બનશે તેવું સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું.જ્યારે નેત્રંગ તાલુકા ભાજપના કાર્યકરો આ બાબતે આવેદનપત્ર આપી વિરોધ નોંધાવશે તેવું ચર્ચાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે નેત્રંગમાં એસટી બસ સ્ટેન્ડના નિર્માણ માટે પરીવહન વિભાગના જવાબદાર અધિકારીઓ ત્રણ-ચાર વખત સર્વે કર્યો છે.લાખો-કરોડો રૂપિયા ધુળ ખાઈ રહ્યા છે.તેવા સંજોગોમાં તાત્કાલિક ધોરણે અત્યા આધુનિક એસટી બસડેપોનું નિર્માણ થાય તેવું લોકહિત માટે જણાઈ રહ્યું છે.







