(સંજય પટેલ,જંબુસર)
જંબુસર તાલુકાના મગણાદ ગામની ગૌચર જમીન વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ માટે રસ્તા તરીકે ગેરકાયદેસર ગૌચરની જમીન વપરાય રહી હોવાના મામલે ગુજરાત હાઈકોર્ટે ગતરોજ તારીખ ૧૨.૦૯.૨૦૨૫ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો.
મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગરવાલ તથા ન્યાયમૂર્તિ ડી.એન.રેની દ્વિખંડપીઠે ભરૂચ કલેકટરને તાત્કાલિક તપાસ કરવાનો આદેશ આપ્યો છે.સાથે જ કંપનીને ગૌચર જમીનનો રસ્તા તરીકે ઉપયોગ કરવાથી તરત જ રોકવા જણાવેલ છે.
અદાલતે જંબુસર તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવેલી 2 ફેબ્રુઆરી 2024ની મંજૂરીને કલેક્ટરની સત્તા વગર ગેરકાયદેસર ગણાવી હતી.અદાલતે નોંધ્યું કે ગૌચર જમીન ગામના લોકો તથા પશુઓ માટે અતિ મહત્વપૂર્ણ છે,જેથી ત્યાંથી વાહન વ્યવહાર થવાથી જીવને જોખમ ઉભું થાય છે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ને કંપનીની કામગીરીની તપાસ કરી અહેવાલ રજૂ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.કલેક્ટર ભરૂચે 24 કલાકની અંદર પાલનનો અહેવાલ હાઈકોર્ટમાં રજૂ કરવો ફરજિયાત રહેશે.જેને લઈને આજરોજ જંબુસર મામલતદાર દ્વારા વહેલી સવારથી જ કંપનીનો ગૌચર માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે.કેસની આગામી સુનાવણી 3 ઓક્ટોબર 2025ના રોજ રાખવામાં આવી છે.
હાઈકોર્ટના ચુકાદાને લઈ ગામલોકો દ્વારા હાઈકોર્ટના આદેશ બાદ મગણાદ ગામમાં હર્ષનો માહોલ જોવા મળ્યો હતો.ગ્રામજનોનું કહેવું છે કે ગૌચર જમીન પર કબજો થતાં પશુઓ માટે ચરવાનો પ્રશ્ન ઊભો થયો હતો.ગામના એક વડીલે જણાવ્યું હતું કે આદેશથી અમારી જમીન અને પશુઓનું રક્ષણ થશે.અમે ન્યાય માટે લડ્યા અને ન્યાય મળ્યો.તેમજ કંપનીનો જે માર્ગ દબાણ કર્યો હતો તે માર્ગ પર આદેશ આવતા બંધ થતાં કંપની દ્વારા ખેડૂતોના જવાના માર્ગ પરથી ગાડીઓ પસાર કરતા હતા તે સમયે ગાડી ગાડા માર્ગમાં ફસાઈ જતા કેમિકલ ખેતરોમાં પસંદ રહ્યા હતા. તેથી તાત્કાલિક ખેડૂતોમાં ભાગદોડ થવા પામી હતી. આ કંપની પ્રદૂષણ ફેલાવે છે તે બંધ થાય તેવી પણ માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે.
બીજી તરફ Waste Management Plant ચલાવતી કંપનીના પ્રતિનિધિએ પ્રાથમિક પ્રતિક્રિયા આપતાં કહ્યું કે અમે કાનૂની પ્રક્રિયામાં સહકાર આપીશું.ગૌચર જમીનના બદલે વિકલ્પરૂપ જમીન આપવા માટે પણ કલેકટર સમક્ષ અરજી કરી છે.હાઈકોર્ટના આદેશથી હવે કલેકટરની તપાસ અને GPCBની રિપોર્ટ પર આગળની કાર્યવાહી આધારિત રહેશે.




