– વાલીઓ,વિદ્યાર્થીઓ અને શિક્ષકો પ્રિન્સિપાલથી કંટાળી ગયા હોવાના આક્ષેપ સાથે હોબાળો
– પ્રિન્સિપાલ શિક્ષકોને વિદ્યાર્થી સાથે બહાર કાઢી મુકતા હોવાના આક્ષેપ સાથે હોબાળો
ભરૂચ,
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક નંબર 39 માં પ્રિન્સિપલ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે અભદ્ર વર્તન કરતા હોવાના આક્ષેપ સાથે શિક્ષકો વિદ્યાર્થીઓને વાલીઓએ પ્રિન્સિપલ સામે જ મોરચો માંડ્યો હોય તેમ ભારે હોબાળો મચાવતા શાળામાં વિવાદ સર્જાયો હતો.
ભરૂચમાં મિશ્ર શાળા ક્રમાંક નંબર 39 માં પ્રિન્સિપલ તરીકે માયાબેન ગત વર્ષ 2024 ના ઓક્ટોબર મહિનામાં ફરજ ઉપર આવ્યા ત્યારથી જ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વિવાદો ઉભા થતા હોય તે પ્રકારનું વર્તન કરતા હોવાના આક્ષેપ સાથે શિક્ષકો,વિદ્યાર્થીઓ અને વાલીઓ પ્રિન્સિપાલ સામે જ મેદાનમાં ઉતરી ભારે આક્રોશ સાથે પ્રિન્સિપાલની બદલી કરવાની માંગ સાથે મોરચો માંડતા જ શિક્ષણ જગતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.તો કેટલાય વિદ્યાર્થીઓએ રડતી આંખે પ્રિન્સિપાલ સામે આક્રોશ ઠાલવી શિક્ષકો સાથે વિદ્યાર્થીઓને બહાર કાઢી મૂકવામાં આવતા હોવાના આક્ષેપ પણ કર્યા છે.
સમગ્ર ઘટના મુદ્દે શાળાના પ્રિન્સિપલ માયાબેને પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને તેઓ આક્ષેપ કર્યા હતા કે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલનો શાસનાધિકારી સાથે અફેર હોવાની વાતો ઉડાવી પ્રિન્સિપાલને બદનામ કરતા હોવાના પણ આક્ષેપો તેઓએ કર્યા છે.ત્યારે સમગ્ર મામલે આખરે પ્રિન્સિપલની બદલી થાય છે કે પછી વિવાદ યથાવત રહે છે તે આવનાર સમયે બતાવશે પરંતુ પ્રિન્સિપાલે પણ પોતાની પ્રતિક્રિયા રજુ કરી હતી.તો બીજી તરફ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય ભારતી પટેલ પણ બનાવને લઈને શાળા ખાતે દોડી આવ્યા હતા અને પ્રિન્સિપલ,શિક્ષકો અને વાલીઓની વાત સાંભળી હતી અને મામલો થાળે પાડ્યો હતો.




