– મેનેજર દ્વારા પોલીસમાં સીસીટીવી પુરાવા સાથે આપતા પોલીસે તપાસ હાથધરી
– અગાઉના ડિરેક્ટરો દ્વારા કરાયેલ ગોટાળાના પુરાવાના નાશ કરવાના ભાગરૂપે દસ્તાવેજોની ચોરી કરાવવામાં આવ્યા હોવાની કસ્ટોડિયન કમિટીની આશંકા
ભરૂચ,
નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ચાસવડ માંથી ડેરીના બે કમૅચારીઓ દ્વારા રાત્રિના સમયે દસ્તાવેજો ચોરી થતા નેત્રંગ પોલીસમાં અરજી અપાતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
ભરૂચ જીલ્લાના નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ દ્વારા નેત્રંગ પોલીસ મથકમાં અરજી આપી છે જેમાં જણાવ્યું છે કે ચાસવડના તત્કાલીન પ્રમુખ,ઉપપ્રમુખ તેમજ સર્વે વ્યવસ્થાપક કમિટીના સભ્યોએ છેલ્લા પાંચ વર્ષના તેમના સમયમાં મંડળીના નિયમો,પેટા નિયમો અને સહકારી કાયદા તેમજ બંધારણને નેવે મૂકી કરોડો રૂપિયાનો ખોટો ખર્ચ કરી મંડળીને નુકશાન પહોંચાડ્યું છે.છેલ્લા ૩ વર્ષના ઓડિટમાં તેમણે કેટલીયે જગ્યાએ ગોટાળા કર્યા છે જેના કોઈ આધાર પુરાવા પણ નથી તેવું વી.એન. માવાણી સ્પેશિયલ મિલ્ક ઓડિટર દ્વારા હાફ માર્જિનમાં દર્શાવ્યું છે.ત્યાર બાદ પ્રથમ ૯૩ ની કલમ હેઠળ નોટીસ આપી ખુલાસા માંગ્યા પછી યોગ્ય જવાબ નહિ મળતા ૮૧ ની કલમ હેઠળ ૧૭ ડિરેક્ટરોને બરતરફ ૦૧/૦૯/૨૦૨૫ ના રોજ કરતી નોટીસ આપી ૬ સભ્યોની કસ્ટોડિયન કમિટીની નિમણૂક સરકારી રાહે કરેલ હતી.
આ કસ્ટોડિયન કમિટીના સભ્યો જિલ્લા રજીસ્ટ્રાર કચેરીના અધિકારી અને નેત્રંગ પોલીસની હાજરીમાં ચાસવડ દૂધ મંડળીનો વહીવટ સંભાળવા ગયેલા હતા ત્યારે તત્કાલીન પ્રમુખ,ઉપપ્રમુખ તેમજ સર્વે વ્યવસ્થાપક સમિતિના સભ્યો તેમજ તેમના સમર્થકોએ આ લોકોને ઘેરી લીધા હતા તેમજ ઉગ્ર બોલાચાલી કરી મંડળીની કચેરીને તાળા મારી આ કસ્ટોડિયન કમિટીના સભ્યોને પ્રવેશવા પર ગેરકાયદેસર રીતે સરકારી કાયદાની વિરુદ્ધ જઈ અટકાવ્યા હતા.એટલે સરકારી અધિકારી,પોલીસ અને કસ્ટોડિયન કમિટીના સભ્યો મંડળી પરથી પરત જતા રહ્યા હતા.ત્યારે આ તત્કાલીન પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ સર્વે વ્યવસ્થાપક સમિતિના સભ્યોએ સહકારી કાયદાનું ઉલ્લંઘન કરી ગેરકાયદેસર રીતે તેમના બે અંગત માણસોને તારીખ ૦૧/૦૯/૨૦૨૫ ના રોજ રાત્રે ૯:૩૭ વાગ્યે મંડળીના મુખ્ય દરવાજા, કેશિયર ઓફિસ, આસિસ્ટન્ટ મેનેજરની ઓફિસની ચાવી આપી ખોલી અંદર પ્રવેશ કરી મંડળીના કોન્ફિડેન્સિયલ દસ્તાવેજો,જરૂરી કેસ વાવચરો તેમજ તેમણે કરેલા ગોટાળાના પુરાવાની આશરે ૧૦ જેટલી ફાઈલોમાં પુરાવા ડોક્યુમેન્ટ ચોરી કરી ખાનામાં રહેલ અત્યંત કિંમતી પત્રકોની ઉઠાંતરી કરી લઈ ગયા હતા જેમાં તત્કાલીન પ્રમુખ,ઉપપ્રમુખ તેમજ સર્વે વ્યવસ્થાપક કમિટીના સભ્યોની નજીકના કેશીયર કમ આસી.મેનેજર કલ્પેશભાઈ દેવજીભાઈ વસાવા (મો.નંબર ૯૭૨૬૩૭૩૨૯૮) અને એકાઉન્ટની કામગીરી કરતા જયમીનભાઈ સંજયભાઈ વસાવા (મો.નંબર ૯૨૬૫૧૮૮૪૯૫) કર્મચારી છે. કેશીયરની કેબીનમાં એઓની હાજરી સમયે એમના તરફથી કરવામા આવેલ અને એઓ કરેલ મોબાઈલ ફોનની તપાસ થવી પણ જરૂરી છે.
આ સમિતિના સભ્યો બરતરફ થઈ ગયા હોવા છતાં ઝનૂની, નશો કરીને તેમજ કંઈપણ કરી બેસે તેવા લોકોને મંડળી ઉપર બોલાવી તેમની આડમાં ગેરકાયદેસર રીતે તા.૦૧/૦૯/૨૦૨૫ સાંજના ૫ વાગ્યાથી તા.૦૨/૦૯/૨૦૨૫ નાં રોજ સાંજ સુધી આખી મંડળી બાનમાં લઈ સરકાર અને સહકારી કાયદાની વિરુદ્ધમાં તેમના ભ્રષ્ટાચારના પુરાવા નાશ કરવાના હેતુથી મંડળીનો વહીવટ કર્યો હતો.આ બે દિવસની તપાસ કરવામાં આવે તેમજ જવાબદારો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.આ સાથે પુરાવા રૂપે સીસીટીવી ફૂટેજ માટે પેનડ્રાઈવ પણ આપવામાં આવી છે.
હાલના કસ્ટોડિયન કમિટીના સભ્ય મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે નેત્રંગ વિભાગ દુધ ઉત્પાદક સહકારી મંડળી ચાસવડ માંથી જે દસ્તાવેજો ચોરી કરવામાં આવ્યા છે તે બાબતે નેત્રંગ પોલીસમાં ફરિયાદ કરી છે જેમાં પુરાવા રૂપે સીસીટીવી આપવામાં આવ્યા છે જેથી પોલીસ યોગ્ય તપાસ કરે અને જવાબદારો સામે કાયૅવાહી કરે તેવી માંગ કરી છે.




