– આગના પગલે ઈન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટી વિભાગ, પોલીસ,મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી
– સ્થાનિકો સહિત અન્ય કંપનીના લોકો રેસ્ક્યુમાં જોડાયા હતા અને મૃતદેહને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
ભરૂચ,
ઔદ્યોગિક વિસ્તાર સાયખા GIDCમાં આવેલી વિશાલ્યકરની ફાર્માકેમમાં મોડી રાત્રે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી.જેમાં રાત્રિના લગભગ 2.30 વાગ્યાની આસપાસ કંપનીમાં ટોલ્વીનની કામગીરી દરમ્યાન પ્રચંડ બ્લાસ્ટ બાદ આગના પગલે આસપાસનો આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો.આ પ્રચંડ બ્લાસ્ટના કારણે બે કામદારો મનીષ અને ધર્મેન્દ્રના મોત નીપજ્યા હતા તો સુરજ નામના કામદારની શોધખોળ કરવામાં આવી હતી અને ૧૫થી વધુ લોકોને ઈજા પહોંચી હતી.
સાયખા જીઆઈડીસીના પ્લોટ નંબર સી – ૧૬૮ માં આવેલી વિશાલ્યકરની ફાર્માકેમમાં મંગળવારની મોડી રાત્રીએ ટોલ્વીનની કામગીરી દરમ્યાન પ્રચંડ બ્લાસ્ટ બાદ ભયંકર આગ ભભૂકી ઉઠી હતી.આગનો કોલ મળતા જ ફાયર વિભાગની ૪- ૫ ગાડીઓ સ્થળે પહોંચી હતી અને સતત પાણી અને ફોર્મનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
આગની જાણ થતા જ ભરૂચ હેલ્થ એન્ડ સેફ્ટી વિભાગ, પોલીસ,જીપીસીબી સહિત વાગરા મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.કંપનીમાં થયેલ પ્રચંડ બ્લાસ્ટ અને આગના પગલે મનીષ,ધર્મેન્દ્ર અને અન્ય એક કામદાર મળી કુલ ત્રણ કામદારોના મોત નીપજ્યા હતા તો ૧૫ થી વધુ કામદારોને નાની મોટી ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે દૂર દૂર સુધી તેની અસર જોવા મળી હતી અને નજીકમાં આવેલ બે થી ત્રણ કંપનીના સ્ટ્રક્ચર સહિત વિવિધ નુકશાન પહોંચતા અંદાજે કરોડો રૂપિયાનું નુકશાન પહોંચ્યું હતું.
વાગરા મામલતદાર મીના પટેલે જણાવ્યું હતું કે બ્લાસ્ટ અને આગની ઘટનામાં અત્યાર સુધી બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને હજુ પણ મૃતદેહની શોધખોળ ચાલી રહી છે.તો ૧૫ થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને રિપોર્ટ ઉચ્ચકક્ષાએ સોંપવામાં આવ્યો છે.
ભરૂચ ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થના અધિકારી દિનેશ ગામીતે જણાવ્યું હતું કે કંપનીમાં રાત્રિના ટોલ્વીનની કામગીરી ચાલી રહી હતી તે સમયે રાત્રિ બ્લાસ્ટ થયો હતો.જેમાં ત્રણ ટન જેટલું ટોલ્વીન હતું. અમે ઘટના બન્યા બાદ રાત્રિના જ ઘટના સ્થળે અમારી ટીમ પહોંચી હતી.કુલિંગ કામગીરી કરવા સાથે હાલમાં તપાસ કરી રહ્યા છે.
બ્લાસ્ટ અને આગની દુર્ઘટના બાદ સાયખા ગામના સરપંચ જયવીરસિંહે વહીવટી તંત્ર અને GPCB પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે આ જોખમી કંપની કોઈપણ જાતની મંજૂરી વગર જ ધમધમી રહી હતી તેમ છતાં GPCB કે વહીવટી તંત્ર દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી અને કાર્યવાહી કરવામાં આવતી નથી.
તો સામાજિક કાર્યકર ઈમ્તિયાઝ પટેલે જણાવ્યું હતું કે આવી લેભાગુ કંપનીઓ સામે તંત્રએ અગાઉથી જ કાર્યવાહી કરી હોત તો આવી દુર્ઘટના ન બની હોત.ઘટના એટલી ભયંકર હતી કે કંપનીનું સાથે સાથે અન્ય કંપનીઓને પણ નુકશાન પહોંચ્યું છે.સ્થાનિક તંત્રએ પોતાની નૈતિક ફરજ સમજી વર્ષ દરમ્યાન કંપનીઓમાં તપાસ હાથ ધરવામાં આવતી હોય તો ઊણપ અને ખામીઓ સામે આવે તો આવા બનાવો અટકાવી શકાય છે.આજે સાયખા કેમિકલ ઝોન બોમ્બ બ્લાસ્ટ પર બેઠો છે.કેટલીક કંપનીઓ દ્વારા પર્યાવરણ ક્લિયરન્સ અને એનઓસી વિના ધમધમી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કંપની માલિક દ્વારા અન્ય લોકોને વહેંચી દેવામાં આવી હતી અને પ્લાન બંધ હોવાની ચર્ચા વચ્ચે થયેલ પ્રચંડ બ્લાસ્ટ અને આગની ઘટનાના પગલે તંત્ર સામે અનેક સવાલો ઉભા કર્યા છે ત્યારે તંત્રના વિભાગોનું તપાસમાં શું સત્ય બહાર આવે છે તે જોવું રહ્યું.
હાલમાં પણ ઘટના સ્થળે બચાવ અને રાહતની કામગીરી ચાલી રહી છે અને કાટમાળ હટાવવાની કામગીરી સાથે મૃત્યુઆંક વધવાની શક્યતા જોતાં સર્ચ ઓપરેશન ચાલુ છે.




