– આદિવાસી પટ્ટાના આંતરિયાળ ગામો સુધી સિંચાઈના પાણી કેનાલ મારફતે પહોંચશે તેવો આપ્યો સધિયારો
(વિજય વસાવા,નેત્રંગ)
રાજ્યના નવનિયુક્ત પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલા વિવિધ ડેમોની સત્તાવાર મુલાકાત લઈ આદિવાસી પટ્ટાના આંતરિયાળ ગામો સુધી સિંચાઈના પાણી કેનાલ મારફતે પહોંચી શકે તે દિશામાં સ્થાનિક અગ્રણીઓ તેમજ અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો.
ઈશ્વરસિંહ પટેલે ભરૂચ મંત્રી તરીકે પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગનો સ્વતંત્ર હવાલો સોપાયા બાદ આજે તેઓએ નેત્રંગ તાલુકાની સત્તાવાર મુલાકાત લીધી હતી.સ્થિતિની સમીક્ષા કરી હતી. તેઓએ નેત્રંગ તાલુકામાં આવેલા દોલતપુર ડેમ, બલદેવા ડેમ,પીંગોટ ડેમ તેમજ ઘાંટા ડેમ, રાજપરા ગામની મુલાકાત લીધી હતી અને સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને ખેતી સંબંધિત સિંચાઈનું પાણી કેનાલ મારફતે મોકલાય છે તેનું નિરીક્ષણ કર્યું હતુ અને જે વિસ્તારોમાં કેનાલ નથી ત્યાં આગામી સમયમાં તેનું નિર્માણ કરી આંતરિયાળ વિસ્તાર સુધી પાણીનો પુરવઠો પહોંચે તે માટે ચર્ચા વિચારણા કરી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.ખાસ કરીને ઉચ્છલ તેમજ નિઝર સુધી આગામી સમયમાં કેનાલ મારફતે પાણી પહોંચે તેવો આશાવાદ આપ્યો હતો.આ મુલાકાત દરમ્યાન ઝઘડીયાના ધારાસભ્ય રિતેશ વસાવા,ખેડૂત અગ્રણી બળદેવ ગોહિલ સહીત અન્ય અગ્રણીઓ પણ તેઓ સાથે જોડાયા હતા.




