(ભાવેશ પંડયા,ઝઘડીયા)
નર્મદા જ ભારતની એકમાત્ર એવી નદી છે કે જેની પરિક્રમા થાય છે.નર્મદાની સંપૂર્ણ પગપાળા પરિક્રમા લગભગ ૩૬૦૦ કિલોમીટર જેટલી થાય છે.માં નર્મદાની અનંત કૃપા પ્રાપ્ત કરવા માટે દર વર્ષે હજારો ભક્તો નર્મદા પરિક્રમા યાત્રા કરે છે. પુરાણોમાં વર્ણવ્યા મુજબ નર્મદા નદીની પરિક્રમા કરવાથી અતિ પુણ્ય ફળ મળે છે,એવી માન્યતા હોવાથી છેલ્લા કેટલાક વર્ષોમાં ભક્તોની સંખ્યા સતત વધી રહી છે.આ વર્ષે પણ નર્મદા કાંઠે આવેલા ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે નર્મદા પરીક્રમાવાસીઓની ભારે આવનજાવન જોવા મળી રહી છે.ગુજરાત, મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ અને બિહાર સહિતના વિવિધ રાજ્યો માંથી ભક્તો સતત આવતા રહે છે.ભાલોદ ગામે આવેલા પૈરાણીક શિવ મંદીર એવા મોક્ષનાથ મહાદેવના મંદીરે નર્મદા પરીક્રમા કરતા લોકોને સેવાભાવી આવકાર આપવામાં આવે છે.
ભાલોદમાં આવેલ મોક્ષનાથ મહાદેવ મંદિર પરિક્રમાવાસીઓ માટે દિલથી સેવા આપી રહ્યું છે.રોજ ૫૦ થી વધુ યાત્રી મોક્ષનાથ મહાદેવ મંદિરે રાત્રી મુકામ કરે છે,જ્યારે સવાર-સાંજ મળીને ૮૦થી વધુ પરિક્રમાવાસીઓ અહીં પ્રસાદી ગ્રહણ કરે છે.પરિક્રમાવાસીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે.રાત્રિ રોકાણની સગવડ,સ્વચ્છ પાણી તથા પ્રસાદની વ્યવસ્થા ગામના યુવાનોએ સેવા ભાવથી આગળ આવી યાત્રાળુઓને રહેવા-જમવાની ખૂબજ સરસ વ્યવસ્થા કરી છે.જેથી દરેક ભક્ત શુભ પરિક્રમા પૂર્ણ કરી શકે.
નર્મદા માતાની પરિક્રમા દરમ્યાન ભક્તોને એક કે બીજા સ્વરૂપે દર્શન આપે છે એવો શ્રદ્ધાભર્યો વિશ્વાસ પણ ભક્તોમાં જોવા મળે છે.મોક્ષનાથ મહાદેવનું મંદિર આ વર્ષે પરિક્રમાવાસીઓનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે અને ભાલોદ ગામે ધાર્મિક અને સેવા ભાવનાનો સુંદર સમન્વય જોવા મળી રહ્યો છે.




