– ખુલ્લી ગટરમાં ગૌમાતા ખાબકતા આમોદ પાલિકાના શાસકો સામે નગરજનોમાં રોષ જોવા મળ્યો
ભરૂચ,
આમોદ બહુચરાજી મંદિર પાસે આજરોજ સાંજના ચાર કલાકે ગૌમાતા ખુલ્લી ગટરમાં પડતા ભારે જહેમત બાદ સ્થાનિક રહીશો તેમજ પશુપાલકોના સાથ સહકારથી બહાર કાઢવામાં આવી હતી.આમોદ પાલિકા શાસકોના પાપે ખુલ્લી ગટરમાં ગૌમાતા ગટરમાં ખાબકતા લોકોમાં પાલિકા શાસકો સામે રોષ જોવા મળ્યો હતો.
આમોદ બહુચરાજી મંદિર પાસે આસપાસ રહેલી ગંદકી પાસે ગાય ફરતી હતી ત્યારે ખુલ્લી ગટરને કારણે ગાય અચાનક ગટરમાં ખાબકી હતી.જેથી આસપાસના લોકોએ પાલિકા તંત્રને જાણ કરતા પાલિકા દ્વારા જેસીબીની મદદથી ગટરને પહોળી કરી સ્થાનિક લોકો તેમજ રબારી સમાજના લોકોના સહકારથી ગાયને દોરડું બાંધી ભારે જહેમત બાદ હેમખેમ બહાર કાઢવામાં આવી હતી.સ્થાનિક રહીશ ત્રિભોવન સોલંકીએ જણાવ્યું હતું કે અમારા બહુચરાજી મંદિર વિસ્તાર પાસે ઘણા સમયથી ખુલ્લી ગટર આવેલી છે જે બાબતે અમોએ પાલિકા તંત્રને વારંવાર ખુલ્લી ગટર બંધ કરવા જણાવ્યું હોવા છતાં પાલિકા શાસકોએ ખુલ્લી ગટર બંધ નહીં કરતાં આજ રોજ ગૌમાતા ગટરમાં પડી હતી.અહીં મંદિરની આસપાસ અમારા નાના બાળકો પણ રમે છે જો નાના બાળકો પણ ખુલ્લી ગટરમાં પડે અને જાનહાનિ થાય તો જવાબદાર કોણ?
આ બાબતે આમોદ પાલિકાના સેનેટરી ઈન્સ્પેકટર હિતેશ અસારીએ જણાવ્યું હતું કે ખુલ્લી ગટરમાં ગાય ખાબકી હતી જેની અમોને જાણ થતાં જેસીબીની મદદથી સ્થાનિક લોકોના સહકારથી ગાયને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી.




