(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વધતા જતા અકસ્માતોથી તાલુકાની જનતામાં ચિંતા ફેલાવા પામી છે.તાલુકાના કેટલાક વિસ્તાર માંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે,તેમજ અંકલેશ્વર રાજપીપલાને જોડતો સરદાર પ્રતિમા માર્ગ પણ પસાર થાય છે.તાલુકામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ સરદાર પ્રતિમા માર્ગ સહિત ગ્રામ્ય માર્ગો પર છાસવારે અકસ્માતો થતા હોઈ લોકો ચિંતિત બન્યા છે.
મળતી વિગતો મુજબ આજરોજ બપોરના સમયે તાલુકાના જીઆઈડીસી વિસ્તારના દધેડા ગામ નજીક એક ટેમ્પો પલટી મારી જતા ટેમ્પોમાં જઈ રહેલા વિવિધ કંપનીઓના કામદારો પૈકી અંદાજે ૧૫ જેટલા કામદારો ઈજાગ્રસ્ત થયા હતા.આ અંગે વધુમાં મળતી વિગતો મુજબ આજે શુક્રવાર હોવાથી જીઆઈડીસીની વિવિધ કંપનીઓમાં કામ કરતા કામદારો શુક્રવારની નમાજ પઢવા દધેડા ગામે જતા હતા.તે દરમ્યાન એક ટેમ્પો ત્યાંથી પસાર થતો હતો જેમાં કામદારો તેને હાથ કરી ટેમ્પામાં બેઠા હતા તે દરમ્યાન દધેડા નજીક કામદારોને લઈ જતો ટેમ્પો પલટી જતા અંદર બેઠેલા કામદારો પૈકી કેટલાક નીચે ફંગોળાયા હતા.મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં ટેમ્પોમાં જઈ રહેલ કામદારો પૈકી પંદર જેટલા કામદારોને નાનીમોટી ઈજાઓ થતાં ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સમાં સારવાર માટે લઈ જવાયા હતા. ઘટનાની જાણ થતા ઝઘડિયા જીઆઈડીસી પોલીસે સ્થળ ઉપર પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.જોકે આ લખાય છે ત્યાં સુધી હજુ પોલીસ ફરિયાદની વિગતો સામે આવી નથી,અને પોલીસ ફરિયાદ બાદ ઘટનાની વધુ વિગતો સામે આવે તેમ હાલના તબક્કે જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા જીઆઇડીસી માં આવેલા ઉદ્યોગોમાં જે કોન્ટ્રાક્ટરો કામ કરે છે તે કોન્ટ્રાક્ટરો આજુબાજુના ગામોમાંથી સ્થાનિક તેમજ પરપ્રાંતીય મજૂરોને લાવવા માટે ગેરકાયદેસર રીતે માલવાહક વાહનોમાં કામદારોને કંપની સુધી લઈ જવા અને ઘર સુધી મૂકવા જવા માટે આવા માલ વાહકોનો વાહનોનો ઉપયોગ કરે છે જે સદંતર ગેરકાયદેસર છે, જીઆઈડીસી પોલીસે તથા જિલ્લા આરટીઓ કચેરી દ્વારા આવા ગેરકાયદેસરના વેપલા અને કામદારોના સુરક્ષા સામે સવાલો ઉભા કરતા ઈસમો સામે પગલાં ભરવા જોઈએ.




