ભરૂચ,
જંબુસર તાલુકાના સામોજ ગામમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.અગમ્ય કારણોસર પતિએ પોતાની જ પત્નીની તીક્ષ્ણ હથિયારથી હત્યા કર્યા બાદ પતિએ પણ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.જેથી પતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે.
મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના સામોજ ગામમાં રહેતા બુધેસંગ શંકરભાઈ પઢિયારે પોતાની પત્ની ગીતાબેનની ખેતરમાં કોઈ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી દીધી હતી.ગંભીર કૃત્ય બાદ પતિ બુધેસંગે ઝેરી દવા ગટગટાવી હતી જેના કારણે તેની હાલત ગંભીર બનતા સ્થાનિક ગ્રામજનો દ્વારા તેને તાત્કાલિક જંબુસર આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો.જ્યાં તેની પ્રાથમિક સારવાર કર્યા બાદ તેને વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.જ્યાં તેનું પણ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ વેડચ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.પોલીસ દ્વારા મૃતક ગીતાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.સાથે જ હત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ આરંભી વધુ વિગતો મેળવવાની કવાયતમાં જોતરાઈ હતી.







