– દુ.બોરિદ્રાના ત્રણ યુવકો મોટર સાયકલ લઈને મુલદ ગામે લગ્નમાં જતા હતા તે દરમ્યાન અકસ્માત થયો
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં છાસવારે અકસ્માતો થવાની ઘટનાઓ સામે આવે છે,આવા અકસ્માતો પૈકી ઘણા અકસ્માત જીવલેણ બનતા હોય છે.ત્યારે ગતરોજ તા.૨૯ મીના રોજ આવાજ એક જીવલેણ અકસ્માતની ઘટનામાં એક મોટર સાયકલ સવાર યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.જ્યારે તેની સાથેના અન્ય બે યુવકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના દુ.બોરિદ્રા ગામનો સંદીપ કાન્તિભાઈ વસાવા નામનો યુવક ગામના અન્ય બે યુવકો ગીરીશ દિનેશભાઈ વસાવા અને અવિનાશ ઓલિયાભાઈ વસાવા સાથે મોટર સાયકલ લઈને રાતના નવ વાગ્યાના અરસામાં મુલદ ગામે લગ્નમાં જવા નીકળ્યો હતો.આ લોકો મોટર સાયકલ પર બોરિદ્રા ગામના પાછળના રસ્તા પર થઈને મુલદ તરફ જતા હતા.સંદીપ મોટર સાયકલ ચલાવતો હતો,તેની પાછળ અવિનાશ બેઠો હતો અને છેલ્લે ગીરીશ બેઠો હતો.આ લોકો જઈ રહ્યા હતા તે દરમિયાન દુ.બોરિદ્રા ગામથી થોડે આગળ મુલદ તરફથી આવતા એક હાઈવાના ચાલકે તેનો હાઇવા ટ્રક આ લોકોની મોટર સાયકલ સાથે અથાડી દેતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં મોટર સાયકલ સવાર યુવકો નીચે ફંગોળાયા હતા.આ અકસ્માતમાં સંદીપ વસાવાને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળેજ મોત થયું હતું.જ્યારે અન્ય બે યુવકો પણ ઈજાગ્રસ્ત થતાં તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા.અકસ્માત સંદર્ભે ઝઘડિયા પોલીસે ગીરીશ વસાવાની ફરિયાદ મુજબ અકસ્માત કરી પોતાનું વાહન સ્થળ ઉપર મુકી નાશી ગયેલ હાઈવા ટ્રકના ચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.







