– વન વિભાગને જાણ કરતા મોરનો મૃતદેહ કબ્જે લઈ પોસ્ટમોર્ટમ બાદ નીલકંઠેશ્વર નર્સરી ખાતે વિધિવત રીતે અંતિમ વિધિ કરાઈ
ભરૂચ,
ભરૂચ શહેરના ભારતી રો હાઉસ નજીક વીજ કરંટ લાગવાથી એક મોરનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના જે.બી.પાર્ક વિસ્તારમાં આવેલા ભારતી રો હાઉસ નજીક એક મોર ફરી રહ્યો હતો. તે દરમિયાન મોર એક વીજ પોલ પર ચડી ગયો હતો અને અકસ્માતે વીજ તારને સ્પર્શ થતાં તેને કરંટ લાગ્યો હતો.જેના કારણે તે પોલ પરથી નીચે પડી ગયો હતો.સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક ભરૂચ વન વિભાગને આ ઘટના અંગે જાણ કરી હતી.માહિતી મળતા જ રાઉન્ડ ફોરેસ્ટર હેમંત યાદવ તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.વીજ કંપનીની મદદથી મોરને નીચે ઉતારવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મોરનું મોત નિશ્ચિત થતાં સ્થળ પર જ પંચનામું કરવામાં આવ્યું હતું.
આરએફઓ એમ.બી.ડાભીના માર્ગદર્શન હેઠળ મોરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ નીલકંઠેશ્વર નર્સરી ખાતે વિધિવત રીતે તેની અંતિમ વિધિ કરવામાં આવી હતી.વન વિભાગે આ સમગ્ર ઘટના અંગે વધુ કાર્યવાહી હાથધરી હતી.







