– અકસ્માતના CCTV સામે આવતા પોલીસે તપાસ હાથધરી : અકસ્માત સર્જનાર કાર મુંબઈ પાર્સિંગ હોવાનું સામે આવ્યું
ભરૂચ,
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ શિફા ચોકડી નજીક બેકાબુ કારના ચાલકે રાહદારીને ટક્કર મારી આશરે ૧૫ થી ૨૦ ફૂટ હવામાં ઊછળતા હિટ એન્ડ રન ની ઘટના સર્જાય હતી. જેનો ચોંકાવનારા CCTV ફૂટેજ સામે આવતા પોલીસે તપાસ હાથધરી કાર ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા શિફા ચોકડીથી મનુબર ચોકડીને જોડતા રોડ પર અકસ્માત સર્જાયો હતો.જેમાં રસ્તા પરથી પસાર થતા રાહદારી સરફરાજ અગરબત્તીવાલા રોડ પરથી પસાર થતા હતા તે દરમ્યાન સામેથી પુરઝડપે આવતી કારના ચાલકે ટક્કર મારી હતી.કાર ચાલકે અચાનક નિયંત્રણ ગુમાવતા રાહદારી સરફરાજ અગરબત્તીવાલાને જોરદાર ટક્કર મારતા આશરે ૧૫ થી ૨૦ ફુટ દૂર સુધી ધસેરાયો હતો.ઘટનાના ચોંકાવનારા દ્રશ્ય નજીકમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.ટક્કર બાદ ગંભીર રીતે ઘાયલ સરફરાજને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.હાલ બી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી હાથધરી કાર ચાલકની શોધખોળ શરૂ કરી હતી.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કાર મહારાષ્ટ્ર પાર્સિંગની હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં સામે આવતા હાલતો પોલીસે નોટિસ મોકલી કાર્યવાહી હાથધરી છે.
તો બીજી બાજુ સ્થાનિક સલીમ અમદાવાદીએ જણાવ્યું હતું કે આ રસ્તો સાંકળો હોય તંત્રને વારંવાર વાર સસ્તો પહોળો કરવા અને સફેદ પટ્ટા મારવા રજૂઆત છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને માત્ર આશ્વાસન આપી સંતોષ માનતા હોય છે જેથી અકસ્માતના બનાવો બને છે.તો બીજી તરફ દિલ્હી – મુંબઈ એક્સપ્રેસની ભરૂચ ખાતે એન્ટ્રી અને એક્ઝિટ હોવાથી રાજ્ય બહારના વાહનો બેફામ દોડતા હોય છે.ત્યારે તંત્ર અને પોલીસ યોગ્ય કાર્યવાહી નહીં કરે તો આવનાર દિવસમાં સ્થાનિકો આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.




