ભરૂચના ડૉ.બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાનો આયુષ મેળો યોજાયો

SHARE:

– આયુર્વેદિક ઉપચાર, યોગ અને પૌષ્ટિક જીવનશૈલી અંગે નાગરિકોને વ્યાપક માર્ગદર્શન અપાયું

ભરૂચ,

ભરૂચ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા આજે ડૉ.બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે જિલ્લા કક્ષાનો ભવ્ય આયુષ મેળો યોજાયો હતો.કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રેમશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિતિ દર્શાવી નાગરિકોને આયુર્વેદ પ્રત્યે પ્રેરિત કરતા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ મેળામાં જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.આમ્રપાલી પટેલ અને વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબોએ ઉપસ્થિત રહી નાગરિકોને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું કે, આપણા દેશમાં આયુર્વેદ,હોમિયોપેથી, યોગ અને પ્રાકૃતિક ઉપચાર પદ્ધતિઓ હજારો વર્ષથી ચાલી આવે છે. આજે આ પરંપરાગત જ્ઞાનને ફરીથી સમાજ સાથે જોડવા માટે સરકારે અને આયુષ વિભાગે પ્રશંસનીય કાર્ય હાથ ધર્યું છે.રોગ આવે ત્યારે દવા નહીં, પરંતુ રોગ આવવાથી પહેલાં જ સાવચેતી એ આયુષ સિદ્ધાંતનું મૂળ છે.આ પ્રકારના મેળાઓ માત્ર કાર્યક્રમ નથી, પરંતુ આરોગ્યપ્રદ જીવનની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.વધુમાં તેઓએ ઉમેર્યું કે આપણે સૌ જાણીએ છીએ કે આધુનિક જીવનશૈલીમાં તણાવ, વિપરિત ખોરાક અને ઓછું શારીરિક કાર્ય – આ બધાના કારણે ઘણી બિમારીઓ વધી રહી છે. આવી સ્થિતિમાં યોગ, પ્રાણાયામ, પૌષ્ટિક આહાર અને આયુર્વેદિક ઉપચાર આપણા માટે રોગમુક્ત જીવનના આધારસ્તંભ બની શકે છે.આ મેળામાં નાગરિકો માટે આરોગ્ય સંબંધી વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ અને પ્રાકૃતિક ઉપચારના આંશિક અનુભવ માટે કુલ ૧૨ જેટલા થીમ આધારિત સ્ટોલ મૂકવામાં આવ્યા હતા. જેમાં નીચે મુજબની સેવાઓ અને માહિતીઓ આપવામાં આવી હતી.જેમાં આયુર્વેદ ઓપીડી: નાગરિકોની તબીબી તપાસ તથા આયુર્વેદિક દવાઓનું વિતરણ, હોમિયોપથી ઓપીડી, બાળરોગ અને સ્ત્રીરોગ ચિકિત્સા, જરા રોગ (Geriatric Care), અગ્નિકર્મ – મર્મચિકિત્સા – નશ્યકર્મ જેવી પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓનું પ્રદર્શન, સુગર ચેક-અપ કેમ્પ, રસોડાની ઔષધિ અને પૌષ્ટિક આહાર વિશે માર્ગદર્શન અને યોગ નિદર્શન તથા દૈનિક જીવનમાં યોગના મહત્ત્વ અંગે માહિતી આપવામાં આવી હતી.

આયુષ મેળામાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિતિ દર્શાવી તબીબો સાથે આરોગ્ય સંબંધિત માર્ગદર્શન મેળવ્યું હતું.ઓપીડીમાં નોંધાયેલા નાગરિકોની તબીબો દ્વારા તપાસ કરવામાં આવી અને જરૂરી દવાઓ વિનામૂલ્યે પુરી પાડવામાં આવી હતી.આયુષ મેળાનો મુખ્ય ધ્યેય નાગરિકોને આયુર્વેદિક જીવનશૈલી તરફ પ્રેરિત કરવું, રોગ આવે ત્યારે ઉપચાર કરતાં રોગ આવવાથી પહેલાંની તૈયારી, સ્વસ્થ અને સંતુલિત જીવન માટેની મૂલ્યોને જનમાનસ સુધી પહોંચાડવા, આયુર્વેદ, યોગ, પૌષ્ટિક આહાર અને પ્રાકૃતિક ઉપચાર પદ્ધતિઓને લોકોના દૈનિક જીવનમાં સ્વીકારવાનું પ્રોત્સાહન આપવાનું હતું.

ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં હાલમાં આયુર્વેદ શાખા હસ્તકના ૧૪ આયુષ કેન્દ્રો કાર્યરત છે.જેમાંથી ૧૧ આયુષ કેન્દ્રોમાં યોગ ઈન્સ્ટ્રક્ટર રોજિંદા નાગરિકોને યોગનું મહત્વ, આરોગ્ય માટેના લાભો અને દૈનિક જીવનમાં યોગને અપનાવવા માટે માર્ગદર્શન આપી રહ્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!