– માંડવી તાલુકાના તાલુકાના બે યુવકો મોટરસાયકલ લઈને કરજણ ખાતે લગ્નમાં જતા હતા તે દરમ્યાન અકસ્માત થયો
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કદવાલી નજીક એક મોટરસાયકલ સ્લિપ થતા મોટરસાયકલ સવાર બે યુવકો પૈકી પાછળ બેઠેલ યુવકને ગંભીર ઈજાઓ થતાં તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું.
આ અંગે વાલિયા પોલીસ મથક માંથી મળતી વિગતો મુજબ સુરત જિલ્લાના માંડવી તાલુકાના સોલી ગામનો વિજય રમેશભાઈ કાથુડિયા નામનો યુવક માંડવી તાલુકાના લુહારવડ ગામના વિજય ઈશ્વરભાઈ વસાવા નામના ૨૫ વર્ષીય યુવક સાથે તા.૪ ના રોજ મોટરસાયકલ લઈને કરજણ ખાતે લગ્નમાં જવા નીકળ્યો હતો.તે દરમિયાન રાતના સાડા દશ વાગ્યાના અરસામાં વાલિયા તાલુકાના કદવાલી ગામ નજીકથી પસાર થતા હતા.ત્યારે મોટરસાયકલ ચાલક વિજય કાથુડિયાએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા મોટરસાયકલ સ્લિપ ખાઈ જતા મોટરસાયકલ સવાર બન્ને યુવકો નીચે પટકાયા હતા.આ દરમ્યાન મોટરસાયકલ પાછળ બેઠેલ વિજય ઈશ્વરભાઈ વસાવા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ઝંખવાવ સરકારી દવાખાને લઇ જવાયો હતો જ્યાં તેને સારવાર આપી દાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં વિજયના પરિવારજનો બીજા દિવસે સવારે નવ વાગ્યે ઝંખવાવ સરકારી દવાખાને પહોંચ્યા હતા.ત્યાર બાદ ઈજાગ્રસ્ત વિજય વસાવાને સારવાર દરમ્યાન મરણ પામેલ જાહેર કરવામાં આવ્યો હતો.ઘટના સંદર્ભે મૃતકના પિતા ઈશ્વરભાઈ જેઠીયાભાઈ વસાવા રહે.ગામ લુહારવડ તા.માંડવી જિ.સુરતનાએ મોટરસાયકલ ચાલક વિજય રમેશભાઈ કાથુડિયા વિરૂધ્ધ વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.




