ભરૂચ,
રેલવે તંત્રની ગંભીર બેદરકારીને કારણે નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાયા હોવાની ચોંકાવનારી ઘટના વાગરાથી પહાજ તરફ જતા માર્ગ પર સામે આવી છે.ગતરોજ શુક્રવારના 11:30 કલાકે અહીં સ્થિત રેલવે ફાટક પર જ્યારે ટ્રેન પસાર થઈ રહી હતી.ત્યારે ફાટકના બંને બેરીયર ખુલ્લા હાલતમાં જોવા મળ્યા હતા.સુરક્ષાના તમામ નિયમોને નેવે મૂકીને જે પ્રકારે આ ઘટના બની છે, તેણે રેલવે સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા કર્યા છે.સદ્દનસીબે જે સમયે ટ્રેન ફાટક પરથી પસાર થઈ રહી હતી.તે જ ક્ષણે કોઈ વાહન રેલવે ટ્રેક પર ન હોવાથી એક મોટી જાનહાનિ અને ભયાનક દુર્ઘટના ટળી ગઈ હતી.આ જીવલેણ પરિસ્થિતિમાં કેટલાક જાગૃત નાગરિકોએ સમયસૂચકતા દાખવીને બંને તરફથી આવતા વાહનોને રોકી દીધા હતા.જેના કારણે અનેક પરિવારોના માળા વિખેરાતા બચી ગયા હતા.જો નાગરિકો સમયસર સક્રિય ન થયા હોત, તો આ સ્થળ કદાચ સ્મશાનમાં ફેરવાઈ ગયું હોત.
હવે સવાલ એ ઉભો થાય છે કે આટલી ગંભીર લાપરવાહી પાછળ કોણ જવાબદાર છે? શું આ કોઈ ટેકનિકલ ખામી હતી કે પછી ફરજ પરના ફાટકમેનની ગુનાહિત બેદરકારી? રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સુરક્ષાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે. પરંતુ વાગરાની આ ઘટનાએ તે દાવાઓની પોકળતા સાબિત કરી દીધી છે. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને અને લોકોના જીવ જાય તેની રાહ જોઈ રહ્યું છે? જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક તપાસ કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે જેથી ભવિષ્યમાં આવી ઘોર બેદરકારીનું પુનરાવર્તન ન થાય.
આ ઘટના બાદ જાણવા મળ્યું હતું કે, બેરીયરમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી સુરક્ષાના ભાગરૂપે નીચેની તરફ ચેન લગાવવામાં આવી હતી. જોકે, આ ખુલાસો લોકોના ગળે ઉતરે તેમ નથી, કારણ કે હાઈવે જેવા વ્યસ્ત માર્ગ પર માત્ર સાંકળ બાંધીને આટલી મોટી ટ્રેન પસાર કરવી એ સુરક્ષાના માપદંડો સાથે ગંભીર ખિલવાડ સમાન છે.આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થતા જ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ટેક્નિકલ ખામી હોય તો પણ ટ્રેનને સિગ્નલ આપીને કેમ ઉભી ન રાખવામાં આવી અને કેમ કોઈ ચોક્કસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં ન આવી? તેવા તીખા સવાલો જનતા કરી રહી છે. માત્ર એક પાતળી ચેનના ભરોસે સેંકડો મુસાફરોના જીવ જોખમમાં મૂકતી આ નીતિ સામે રેલવે પ્રશાસન પર માછલાં ધોવાઈ રહ્યાં છે.




