– વર્ષ ૨૦૨૬ ના કેલેન્ડરનું વિમોચન કરાયું
ભરૂચ,
ભરૂચ જિલ્લાના શ્રી પરશુરામ સંગઠન દ્વારા બી.ઈ.એસ.યુનિયન હાઈસ્કૂલના સહયોગથી મહાકાવ્ય રામાયણના વિશિષ્ટ અને પ્રેરણાદાયક પાત્રો પર આધારિત આંતરશાળા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.શાળા સંકુલમાં યોજાયેલી આ અનોખી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ રામાયણના આદર્શ પાત્રોની જીવંત રજૂઆત કરી સૌના મન મોહી લીધા હતા.
જુના ભરૂચ વિસ્તારની કુલ ૬ શાળાઓના ૧૨ જેટલા વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ સ્પર્ધાની ખાસિયત એ હતી કે, દરેક સ્પર્ધકને રામાયણનું એક ચોક્કસ પાત્ર ફાળવવામાં આવ્યું હતું.ભગવાન શ્રી રામ,માતા સીતા અને મહાબલી હનુમાનજી સહિતના કુલ ૧૨ પાત્રો વિશે વિદ્યાર્થીઓએ વક્તૃત્વ દ્વારા પ્રેરણાદાયી રજૂઆતો કરી હતી.આ માધ્યમથી નવી પેઢીને રામાયણના મૂલ્યો અને પાત્રોને નજીકથી જાણવાનો ઉત્તમ અવસર પ્રાપ્ત થયો હતો.આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વર્ષ ૨૦૨૬ ના નવા કેલેન્ડરનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (દક્ષિણ ગુજરાત) ના પ્રભારી યોગેશભાઈ જોષી,શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના ચેરમેન શૈલેશભાઈ દવે અને શહેર પ્રમુખ હેમંત શુક્લ,શાળાના આચાર્ય વિજયસિંહ સિંધા, સંકલ્પ ફાઉન્ડેશનના સંજયભાઈ તલાટી,શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરેશ પુરોહિત અને રાજકુમાર દુબે સહિતના અગ્રણીઓ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.સમગ્ર સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ભદ્રેશભાઈ લીંબચીયા અને સુંદરકાંડ પ્રચારક મંડળના સંદીપભાઈ પુરાનીએ સેવા આપી હતી. કાર્યક્રમનું સુચારુ સંચાલન શાળાની શિક્ષિકા ક્રિષ્નાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.સ્પર્ધાના અંતે વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ઈનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.




