ભરૂચ,
આમોદ તાલુકાના કોલવણા ગામે રહેતા એક ૩૯ વર્ષીય યુવકનું ગામની કેનાલમાં માત્ર ઘૂંટણ સમા પાણીમાં ડૂબી જવાથી મોત થતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.આમોદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથધરી હતી.
આમોદ તાલુકાના કોલવણા ગામે રહેતા સુરેશભાઈ રામુભાઈ રાઠોડ ખેત મજૂરી કરતા હતા.સુરેશભાઈ સાંજના સમયે કેનાલ પાસે હતા ત્યારે આ દુર્ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.ગામમાં બકરા ચરાવવા નીકળેલા એક વ્યક્તિની નજર કેનાલના પાણીમાં પડેલા સુરેશભાઈ પર પડી હતી.તેમણે તાત્કાલિક ગ્રામજનોને જાણ કરતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.નવાઈની વાત એ હતી કે કેનાલમાં પાણી ખૂબ જ ઓછું હતું, છતાં યુવકનું મોત થતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા.જોકે, મૃતકના સગા – સંબંધીઓના જણાવ્યા અનુસાર સુરેશભાઈને ખેંચ આવવાની બીમારી હતી.શક્ય છે કે કેનાલ પાસે ઉભા હોય ત્યારે અચાનક ખેંચ આવતા તેઓ પાણીમાં ખાબક્યા હોય અને સ્વબચાવ ન કરી શકવાને કારણે તેમનું મૃત્યુ થયું હોય.
ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસે મૃતદેહનો કબજો મેળવી આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ કરાવી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.




