– ગ્રામ પંચાયત દ્વારા સેનિટાઈઝ પાર્કમાં કામ કરવા સફાઈ કામદારોને દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપથી ચકચાર
– ગ્રામ પંચાયત દ્વારા કામદારોને છુટા કરાતા સફાઈ કામદારોએ ગ્રામ પંચાયત સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી
(જ્યશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા કામદારો અને ગ્રામ પંચાયત વચ્ચે સેનિટાઈઝ પાર્કમાં કામ કરવાના મુદ્દે વિવાદ ઉભો થયો હતો.ઉલ્લેખનીય છે કે ઝઘડિયા ખાતે કચરો ભેગો કરવા માટે સેનિટાઈઝ પાર્ક બનાવવામાં આવેલ છે.
મળતી વિગતો મુજબ ગ્રામ પંચાયત દ્વારા સફાઈ કામદારોને સેનિટાઈઝ પાર્કમાં કામ કરવા માટે જણાવાયું હતું.આ બાબતે સફાઈ કામદારોએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત દ્વારા કામદારોને સેનિટાઈઝ પાર્કના દુર્ગંધ મારતા કચરામાં કામ કરવા દબાણ કરવામાં આવે છે.કામદારોના જણાવ્યા મુજબ તેઓ ગામના જુદાજુદા વિસ્તારોમાં સફાઈની કામગીરી કરે છે,તેમાં ૩ થી ૫ કલાક જેટલો સમય લાગે છે,તેમને રૂપિયા ૧૬૦ જેટલું દૈનિક વેતન ચુકવાય છે.કામદારોએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ દસ ઉપરાંત વર્ષોથી સફાઇ કામદાર તરીકે કામ કરે છે.ગ્રામ પંચાયત દ્વારા સેનિટાઈઝ પાર્કમાં કામ કરવાનું દબાણ કરવામાં આવતું હોવાનું જણાવી કામદારોએ વધુમાં જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત દ્વારા તેમને તા.૬ ઠ્ઠીથી છુટા કરેલ છે, તેથી સફાઈ કામદારોએ પરિવારનું ગુજરાન ચલાવવામાં તકલીફ ઉભી થઈ હોવાનું જણાવ્યું હતું અને જો તેમને યોગ્ય ન્યાય નહિ મળેતો ગ્રામ પંચાયત સામે આંદોલનનો આસરો લેશે એવી ચીમકી ઉચ્ચારી હતી.







