નામામિ દેવી નર્મદેના નાદ સાથે ભાલોદ ગામે નર્મદા જન્મોત્સવની અલૌકિક ઉજવણી

SHARE:

– નાવડીઓના પુલ બનાવી ૩૫૦ મીટર લાંબી ચૂંદડી અર્પણ કરવામાં આવી

(ભાવેશ પંડ્યા,ભાલોદ)

ઝઘડિયા તાલુકાના પવિત્ર નર્મદા કિનારાના તમામ ગામોમાં નર્મદા પ્રાગટ્ય દિનની ખૂબ ધામધૂમથી અને ધાર્મિક માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી.ઝઘડીયા તાલુકાના નર્મદા કિનારે વસેલા તમામ ગામોમાં આવેલા મંદિરોમાં,આશ્રમમાં નર્મદા ઘાટ ઉપર સવારથીજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા હતા.

નર્મદાના ખોળે વસેલું ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે શિવપુત્રી નર્મદા મૈયાની જન્મ જયંતિ નિમિત્તે નર્મદા જયંતિની શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.નર્મદાના ખોળે વસેલા ભાલોદ ગામે સમસ્ત ગ્રામજનો તેમજ ગાયત્રી દત્ત આશ્રમના સહયોગથી દર વર્ષની જેમ મહા સુદ સાતમના દિવસે નર્મદા જયંતિનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો.નર્મદા જયંતિ નિમિત્તે ભાલોદ ગામે એક દિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મહાકાળી માતાજીના મંદિરમાંથી કુંમારી કન્યાઓની કલશયાત્રા તેમજ નર્મદા માતાજીની પ્રતિમાની ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં સંત શિરોમણી પૂ.શ્રી યોગેશ્વરાનંદ બ્રહ્મચારી મહારાજ ગુરૂ શ્રી ગોપાલાનંદજી બ્રહ્મચારી મહારાજ સાથે  મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.માં નર્મદાની શોભાયાત્રા ભાલોદ ગામ ના વિવિઘ વિસ્તાર માં પ્રસાર થય ગાયત્રી મંદીરે સપન્ન થય હતી.

ગાયત્રી મંદિર ખાતે સવારે ૯ વાગ્યે હોમાત્મક યક્ષપૂજા યોજાઈ હતી.યજ્ઞ પૂર્ણ થયા બાદ સમૂહ મહા આરતી કરવામાં આવી હતી.સાંજના સમયે નર્મદા નદીના કિનારે નર્મદા મૈયાના પૂજનનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ગ્રામજનોએ અભિષેક, ભવ્ય આતિશબાજી અને દીપદાનની ધાર્મિક વિધિ કરી હતી.આ ઉજવણીનું વિશેષ આકર્ષણ નર્મદા નદીની વચ્ચે નાવડીઓને પુલ બનાવી એક કાંઠેથી બીજા કાંઠા સુધી નર્મદા મૈયાને ૩૫૦ મીટર લાંબી ચૂંદડી અર્પણ કરવાનો અલૌકિક પ્રસંગ રહ્યો હતો. “નામામિ દેવી નર્મદે”ના નાદથી નર્મદા કિનારો ગુંજી ઉઠ્યો હતો. નદીના મધ્યભાગમાં મગરોની અવર-જવર વચ્ચે પણ ભાલોદ ગામે નર્મદા પ્રાગટ્ય મહોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો હતો.

આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાલોદ ગામે ભક્તિપૂર્ણ અને દિવ્ય વાતાવરણ સર્જાયું હતું અને મોટી સંખ્યામાં ભક્તોએ નર્મદા મૈયાની આરાધનામાં ભાગ લઈને ધન્યતા અનુભવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!