– ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ, કર્મયોગીઓ અને BLO ઓનું સન્માન કરવામાં આવ્યું
ભરૂચ,
ભારતના ચૂંટણી પંચની સ્થાપના ૨૫ મી જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ કરવામાં આવી હતી જેના ભાગરૂપે દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.જે અંતર્ગત કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ૧૬ મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
કલેક્ટરે જણાવ્યું હતું કે.ભારતનું ચૂંટણીપંચ ઉત્તમ વ્યવસ્થાપનનું આદર્શ ઉદાહરણ છે.એસ.આઈ.આર અંતર્ગત મતદાર યાદીને વધુ સચોટ, પારદર્શક અને અપડેટ બનાવવાના ઉદ્દેશથી ઘરદીઠ સર્વે પૂર્ણ કરી સચોટ મતદાર યાદી બનાવવામાં આવી રહી છે. આ કામગીરીમાં બીએલઓ, સુપરવાઈઝર, ચૂંટણી કર્મચારીઓ તથા સ્વયંસેવકો દ્વારા ખૂબ જ જવાબદારીપૂર્વક અને નિષ્ઠાપૂર્વક કામગીરી કરવા બદલ કલેક્ટરે સૌને અભિનંદન પાઠવ્યા હતા.યુવાનો દેશનું ભવિષ્ય છે અને જ્યારે યુવા મતદાતા જાગૃત બને છે, ત્યારે લોકતંત્ર વધુ મજબૂત બને છે.આપણે સૌએ નિષ્પક્ષ અને જવાબદારીપૂર્વક મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવવાની દિશામાં યોગદાન આપવું જોઈએ.
આ પ્રસંગે ભરૂચ જિલ્લામાં ચૂંટણી કામગીરી કરનાર પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ,કર્મચારીઓ , વિધાનસભા મત વિસ્તાર વાઈઝ શ્રેષ્ઠ કામગીરી બદલ બુથ લેવલ ઓફિસર,બીએલઓ.વગેરેનું સમ્માન કરી કલેકટરે અભિનંદન પાઠવ્યા હતા.નવા નોંધાયેલા યુવા મતદારોને ચૂંટણીકાર્ડ આપવામાં આવ્યા હતા.
અંતે મતદાન અંગેના શપથ લેવડાવવામાં આવ્યા, જેમાં લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ લેવાની અને અન્ય નાગરિકોને પણ મતદાન માટે પ્રોત્સાહિત કરવાની પ્રતિજ્ઞા લેવાઈ.રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા મતદાનનું મહત્વ અને લોકશાહીમાં નાગરિકની જવાબદારી અંગે મહત્વનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




