– બનાવ સંદર્ભે તંત્રનો લૂલો બચાવ!
ભરૂચ,
ઔદ્યોગિક હબ ગણાતી વાગરાની સાયખા GIDC માં આજે પ્રશાસનની નઘરોળ નીતિ અને ખોદકામમાં દાખવવામાં આવેલી ઘોર બેદરકારીને કારણે પર્યાવરણના ધજાગરા ઉડ્યા હતા.જય કેમિકલ ચોકડીથી માત્ર ૩૦૦ મીટરના અંતરે રોડની સાઈડમાં તેમજ જાહેર માર્ગો પર અચાનક વાદળી રંગની નદીઓ વહેતી જોતા આસપાસના લોકોમાં ભારે કુતૂહલ સાથે ફફડાટ વ્યાપી ગયો હતો.પાઈપલાઈન તોડનારા જેસીબીના પંજાએ તંત્રના સલામત ઉદ્યોગના બણગાની પોલ ખોલી નાખી છે.
વિગતવાર ઘટના મુજબ ભરૂચ જીલ્લાની સાયખા GIDC વિભાગ દ્વારા નવા નેટવર્ક માટે પાઈપલાઈન બિછાવવાની કામગીરી ચાલી રહી હતી.જેસીબી મશીન વડે થઈ રહેલા ખોદકામ દરમ્યાન ચાલક કે સુપરવાઈઝરની ગંભીર ક્ષતિને કારણે CETPની લાઈનમાં મોટું ભંગાણ પડ્યું હતું.આ ભંગાણને કારણે હજારો ગેલન કલરયુક્ત પાણી જોતજોતામાં રસ્તા પર ફરી વળ્યું હતું.જે માર્ગો પર વાહનોની અવરજવર હોય છે,ત્યાં કલરયુક્ત પાણીના સરોવર ભરાતા રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
ઘટનાની જાણ થતા જ GIDC ના અધિકારીઓ કાફલા સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને પાણીના નિકાલ માટે પંપિંગ શરૂ કરાવ્યું હતું.જોકે.જ્યારે મીડિયા અને સ્થાનિકોએ આ દૂષિત પાણી અંગે સવાલ કર્યા ત્યારે અધિકારીએ અત્યંત હાસ્યાસ્પદ જવાબ આપતા કહ્યું કે આ માત્ર કલરવાળું પાણી છે, કેમિકલ નથી, અમે તેની ખરાઈ કરી છે.સવાલ એ ઉઠે છે કે શું CETP લાઈનમાં ઉદ્યોગો શુદ્ધ રંગીન પાણી વહાવે છે? પ્રદૂષિત પાણીને શુદ્ધ બતાવવાનો આ પ્રયાસ ઉદ્યોગોના પાપ પર પડદો નાખવા સમાન છે. સૌથી ચોંકાવનારી બાબત એ જોવા મળી હતી કે, જે કામદારો આ કલરયુક્ત પાણીના નિકાલની પ્રક્રિયામાં લાગ્યા હતા.તેઓ કોઈપણ પ્રકારના સેફ્ટી શૂઝ, ગ્લોઝ કે માસ્ક વગર સીધા એ જોખમી પાણીના સંપર્કમાં હતા.અધિકારીઓની હાજરીમાં જ કામદારોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતા જોવા મળ્યા હતા.




