– જાણીતા સાહિત્યકાર અને વક્તાઓ દીપક જગતાપ, નમીતા મકવાણા, દિગ્વિજયસિંહ રાઠોડના વ્યાખ્યાન યોજાયા : જ્યાં સુધી ગુજરાતી જીવશે ત્યાં સુધી માતૃભાષા જીવશે
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને જય અંબે ગ્રુપ ઑફ સ્કૂલ અને વોઈસ ઑફ નર્મદાના સંયુક્ત ઉપક્રમે રાજપીપલા ખાતે માતૃભાષા દિવસની ઉજવણી સપ્તાહ કાર્યક્રમ હેઠળ માતૃભાષા મહોત્સવની ગૌરવ ભેર ઉજવણી કરાઈ હતી.રાજપીપલા નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠા બેન પટેલ તેમજ કેમ્પસ ડાયરેક્ટર મહેશ આહીર,જાણીતા સાહિત્યકાર,વિજ્ઞાન લેખક દીપક જગતાપ તથા નર્મદા સાહિત્ય સંગમ ના સદસ્યોપ્રા દિનેશ પ્રજાપતિ, સોનલ ચૌધરી,મોનાબેન વસાવા,ચેતન પટેલ તથા બે મુખ્ય વક્તાઓ નમીતાબેન મકવાણા,સાહિત્યકાર અને પ્રાચાર્યા રાણીપરા પ્રાથમિક શાળા તથા દિગ્વિજયસિંહ રાઠોડ, જય અંબે સ્કૂલના વક્તાઓએ “મળી માતૃભાષા મને ગુજરાતી ” એ વિષય ઉપર વ્યાખ્યાન યોજી માતૃભાષાનું ગૌરવગાન કરાયું હતું.
જેમાં ગુજરાતી ભાષામાં વાણી વ્યવહારમાં વપરાતા વધુ પડતા અંગ્રેજી શબ્દોપ્રયોગો ન કરવા ઉપરાંત ઓછા અંગ્રેજી ના આધિપત્યમાં ભૂલાતા જતા ગુજરાતી શબ્દ પ્રયોગો વિદ્યાર્થીઓના ધ્યાન પર લાવી તેનો વ્યવહાર માં ઉપયોગ કરવા જણાવ્યું હતું.એ ઉપરાંત માતૃભાષાનો ઈતિહાસ જણાવી માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું.
આ પ્રસંગે માતૃભાષા અંગેની સામુહિક પ્રતિજ્ઞા વિદ્યાર્થીઓએ લીધી હતી તેમજ મારી માતૃભાષામાં “હસ્તાક્ષર અભિયાન” હેઠળ તમામ વિદ્યાર્થીઓએ માતૃભાષા ગુજરાતીમાં હસ્તાક્ષર કર્યા હતાં.આ પ્રસંગે ગુજરાત સાહિત્ય અકાદમીના અઘ્યક્ષ ભાગ્યેશ જ્હાનો વિડિઓ સંદેશો પણ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરાયો હતો.




