ભરૂચ પાલિકા સંચાલિત ડોર ટુ ડોરના કામદારોને ત્રણ મહિનાથી કોન્ટ્રાકટર દ્વારા પગાર નહિ ચુકવાતા હડતાલ પર

SHARE:

– સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો શહેરમાં કચરાના ઢગલાઓ જામશે 

ભરૂચ,

ભરૂચ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ડોર ટુ ડોર સેવા બંધ હોવાના કારણે શહેરમાં નર્કાગાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.ડોર ટુ ડોરના કામદારોને સમયસર પગાર ન ચૂકવાતા તેઓએ સીટી વગાડી હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું.

ભરૂચ નગરપાલિકા હેઠળ ચાલી રહેલી ડોર ટુ ડોર સર્વિસ સેવા છેલ્લા ત્રણ દિવસથી બંધ હોવાથી શહેરમાં નર્કાગાર જેવી સ્થિતિ સર્જાઈ છે.શહેરના વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગલા લાગી જતા નાગરિકો પરેશાન બની રહ્યા છે.માહિતી મુજબ, ડોર ટુ ડોર સેવા આપતા વાહન ચાલકો અને મજૂરોને છેલ્લા પાંચ મહિનાથી પગાર મળ્યો નથી.એક વ્યક્તિ દીઠ અંદાજે ₹70,000 જેટલો પગાર બાકી હોવાનું જણાવવામાં આવ્યું છે.લાખો રૂપિયાની બાકી રકમને લઈને કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.

શહેરમાં રોજ સીટી વગાડી કચરો એકત્રિત કરતા વાહન ચાલકોએ આજે એકસાથે સીટી વગાડી વિરોધ નોંધાવ્યો હતો.પગાર ચૂકવણી મુદ્દે નારાજગી વ્યક્ત કરતાં તમામ વાહનોને એકસાથે ઉભા રાખી સેવા બંધ રાખવામાં આવી છે.નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને ચૂકવણી કરી હોવાનો દાવો કર્યો છે,પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓને પગાર ચુકવવામાં નિષ્ફળતા દાખવાતા વિવાદ વધુ ઉગ્ર બન્યો છે.નગરપાલિકાના અધિકારીઓ પર પણ કોન્ટ્રાક્ટરોને પ્રોત્સાહન આપવાના અને યોગ્ય દેખરેખ ન રાખવાના આક્ષેપ થઈ રહ્યા છે.પવિત્ર રમજાન માસના પ્રારંભથી જ આંદોલન શરૂ થતા મામલો વધુ સંવેદનશીલ બન્યો છે. શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને કર્મચારીઓને યોગ્ય હક મળે તે માટે તંત્રે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ ઉઠી છે.

આ અંગે નગર સેવા સદનના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે કોન્ટ્રાકટરને સૂચના આપવામાં આવી છે અને વહેલી તકે ડોર ટુ ડોર સેવા શરૂ થઈ જશે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!