ભરૂચ,
ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે.આજરોજ ભરૂચ તાલુકાનાં થામ ગામ નજીક એક એસ.ટી.બસ અને પેસેન્જર રિક્ષા વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતે પંથકમાં અરેરાટી ફેલાવી દીધી હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ઘટના સ્થળે જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.અકસ્માતમાં બેના મોત અને ચાર લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખાસેડવામાં આવ્યા હતા.
અકસ્માતની વિગતો મુજબ ભરૂચ તાલુકાના થામ ગામનાં માર્ગ પરથી પસાર થઈ રહેલી એસ.ટી.બસ અને સામેથી આવી રહેલી રિક્ષા વચ્ચે સામસામે ધડાકાભેર ટક્કર થઈ હતી.પ્રાથમિક અહેવાલો અનુસાર, બંને વાહનો પૂરઝડપે હોવાથી ચાલકોએ કાબૂ ગુમાવ્યો હતો.જેના પરિણામે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ટક્કર એટલી પ્રચંડ હતી કે રિક્ષામાં સવાર મુસાફરો લોહીલુહાણ હાલતમાં ફસાઈ ગયા હતા.આ કમનસીબ ઘટનામાં રિક્ષામાં સવાર બે મુસાફરોનાં ગંભીર ઈજાઓને કારણે કરુણ મોત નીપજ્યા હતા.મૃતકોની ઓળખ કરવાની તજવીજ હાલ હાથ ધરવામાં આવી છે.આ તરફ અકસ્માતને પગલે રિક્ષામાં સવાર અન્ય ચાર મુસાફરોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી આવી બચાવ કામગીરી શરૂ કરી હતી અને ઈજાગ્રસ્તોને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે. અકસ્માતને કારણે થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ પોલીસે ક્રેન દ્વારા વાહનોને સાઈડમાં ખસેડી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
હાલમાં પોલીસ દ્વારા એસ.ટી.બસનાં ચાલકની પૂછપરછ અને અકસ્માત પાછળનાં ચોક્કસ કારણો જાણવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.થામ ગામ પાસે થયેલા આ અકસ્માતને પગલે સ્થાનિકોમાં ભારે રોષ અને શોકની લાગણી જોવા મળી રહી છે.




