વાગરાની વાંટા શાળામાં મધ્યાહન ભોજનનું કુકર ફાટતા અફરાતફરી : રસોઈયા બહેનોની સતર્કતાએ બાળકોના જીવ બચાવ્યા!

SHARE:

ભરૂચ,
વાગરાના વાંટા વિસ્તારની પ્રાથમિક મિશ્ર શાળામાં શુક્રવારની સવારે એકાએક સર્જાયેલા પ્રચંડ ધડાકાએ સમગ્ર શૈક્ષણિક આલમ અને સ્થાનિકોના જીવ તાળવે ચોંટાડી દીધા હતા.મધ્યાહન ભોજનના રસોડામાં જ્યારે બાળકો માટે રસોઈ તૈયાર થઈ રહી હતી.ત્યારે અચાનક પ્રેશર કુકર ફાટતા નાસભાગ મચી જવા પામી હતી.સવારના 9:30 વાગ્યાના અરસામાં બનેલી આ ઘટનામાં કુકરના ફાટવાનો અવાજ એટલો ભયાનક હતો કે શાળાના ઓરડામાં ભણી રહેલા બાળકો અને સ્ટાફમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.જોકે આ સંકટ સમયે રસોડામાં હાજર મહિલા કર્મચારીઓએ જે અપ્રતિમ સાહસ અને સમયસૂચકતા દાખવતા મોટી હોનારતને ટાળી દીધી હતી.
ઘટનાની ગંભીરતા પારખીને રસોઈ બનાવતી બહેનોએ ગભરાવાને બદલે તાત્કાલિક સળગતા રાંધણગેસના સિલિન્ડરને રસોડાની બહાર સુરક્ષિત જગ્યાએ ખસેડી લીધો હતો, જેના કારણે ગેસ લીકેજ કે આગ જેવી મોટી દુર્ઘટના ઘટતા અટકી હતી.સદ્દનસીબે શાળાના વર્ગખંડો અને રસોડું અલગ અલગ અંતરે હોવાથી નિર્દોષ ભૂલકાઓ આ ભયાનક અકસ્માતની ઝપેટમાં આવતા બચી ગયા હતા.આ અકસ્માત બાદ શાળા પરિસરમાં દોડધામ મચી ગઈ હતી.પરંતુ કોઈ જાનહાનિ ન થતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.
બનાવની જાણ વાયુવેગે પ્રસરતા વાગરા મામલતદાર મીના પટેલ સહિતનો સરકારી કાફલો તાબડતોબ શાળા ખાતે દોડી આવ્યો હતો. તંત્ર દ્વારા રસોડાની સ્થિતિ અને સુરક્ષાના સાધનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં બધું સલામત જણાતા અને સ્થિતિ નિયંત્રણમાં હોવાની ખાતરી થયા બાદ ફરીથી શાળાનું શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યું હતું.આ ઘટનાએ મધ્યાહન ભોજનના રસોડામાં વપરાતા સાધનોની ગુણવત્તા અને સુરક્ષાના ધોરણો સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!