નર્મદામાં ૭૭ માં જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણી : મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રશસ્તિપત્રો તથા ચેક વિતરણ કરાયા

SHARE:

– વૃક્ષરથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદા જિલ્લામાં ૭૭ મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, ગોરા ખાતે ભરૂચના સાંસદ મનસુખ વસાવા,જિલ્લા પંચાયતના પ્રમુખ અંજનાબેન વસાવા,નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે વન મહોત્સવ એટલે માત્ર વૃક્ષ વાવવાનો ઉત્સવ નહીં, પરંતુ વૃક્ષોના ઉછેર અને જતનની જવાબદારીનો ઉત્સવ છે.તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે વિવિધ અભિયાનો હાથ ધરવામાં આવી રહ્યા છે.પર્યાવરણનું સંરક્ષણ અને વૃક્ષારોપણ પણ આ સંકલ્પનો મહત્વપૂર્ણ હિસ્સો છે.

નાંદોદના ધારાસભ્ય ડો.દર્શના દેશમુખે વૃક્ષો અને પર્યાવરણના મહત્વ અંગે વિસ્તૃત જાણકારી આપતાં નર્મદા જિલ્લાને વધુ હરિયાળો અને પર્યાવરણપ્રેમી જિલ્લો બનાવવા સૌને સહભાગી થવા આહ્વાન કર્યું હતું.

જિલ્લા કલેકટર ગંગાસિંઘે જણાવ્યું હતું કે જિલ્લા કક્ષાના વન મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં વૃક્ષારોપણ તથા વૃક્ષોના જતન અંગે જાગૃતિ લાવવાનો છે.આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ જાગૃતિને લગતી વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી.વન મહોત્સવ અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રશસ્તિપત્રો તથા ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે એક પેડ માં કે નામ 3.0 અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ વન મહોત્સવના સંદેશને જનજન સુધી પહોંચાડવા માટે વૃક્ષરથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!