– ૨૯ મી ઓગસ્ટે ભક્તિમય માહોલમાં યાત્રા યોજાશે જે ૩૧ મી ના રોજ કાવી કંબોઈ ખાતેના સ્તંભેશ્વર મહાદેવ ખાતે પહોંચી રુદ્ર અભિષેક કરશે
ભરૂચ,
અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી હિન્દુ ધર્મ સેના ભરૂચ જીલ્લા દ્વારા જિલ્લામાં બીજી વાર ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.જે આગામી ૨૯ મી ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી શરૂ કરી ત્રીજા દિવસે ૩૧ મી ના રોજ દક્ષિણ ગુજરાતના મીની સોમનાથ તરીકે ઓળખાતા જંબુસરના કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે પહોંચી રુદ્ર અભિષેક કરવામાં આવશે.
હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શિવ ભક્તો દ્વારા ભક્તિ સાથે શિવ આરાધનામાં લીન બન્યા છે.ત્યારે અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી હિન્દુ ધર્મ સેના ભરૂચ જીલ્લા દ્વારા જિલ્લામાં બીજીવાર ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.યાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગંગોત્રી હોટેલ ભરૂચ ખાતે હિન્દુ ધર્મ સેના દક્ષિણ ગુજરાત પ્રમુખ સુધીરસિંહ વાસિયાના અધ્યક્ષપદે પત્રકાર પરિષદ યોજાઈ હતી.
દક્ષિણ ગુજરાતના પ્રમુખ સુધીરસિંહ અટોદરીયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે ભરૂચના ડભોઈયાવાડ ખાતે આવેલ પ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી આગામી ૨૯મી ઓગસ્ટના રોજ સવારે થશે જે કાવડ યાત્રામાં ૧૦૮ થી વધુ કાવડયાત્રીઓ જોડાશે.યાત્રા પ્રગ્નેશ્વર મહાદેવથી પ્રસ્થાન થઈ ડભોઈયાવાડ, જંબુસર બાયપાસ, કંથારિયા,દરોલ,સમની,તણછા,આમોદ, મંગણાદ,ટંકારી ભાગોળ,નોબાળ,સારોદ,નહાર,કાવી ,કંબોઈ પહોંચશે. ઉજ્જૈનમાં જે રીતે ભસ્મ આરતી થાય છે તે રીતે અહીં પણ તેઓની વિશેષ ટીમ દ્વારા ભસ્મ આરતી કરવામાં આવનાર છે.કાવડ યાત્રીઓ માટે દવા,એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.સાથે યાત્રામાર્ગમાં કાવડોને અડચણ ન પડે તે માટે સ્વયંસેવકોની ટીમ સેવાકાર્ય માટે તૈનાત રહેશે.કાવડ યાત્રાનાં રૂટ દરમ્યાન માર્ગમાં આવતા ગામોના લોકો દ્વારા સ્વાગત કરવામાં આવશે.યાત્રા દરમ્યાન મોટો કળશ રાખવામાં આવશે જેમાં અભિષેક કરવા નહીં જઈ શકતા લોકો આ કળશમાં એક લોટો પાણી આપશે જે સ્તંભેશ્વર મહાદેવના અભિષેક માટે ઉપયોગમાં લેવામાં આવશે.યાત્રા દરમ્યાન ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવનાર છે.આ યાત્રા બીજા દિવસે ૩૦ મી ઓગષ્ટના રોજ જંબુસર ખાતે આવેલ સ્વરાજ ભવનમાં રાત્રિ રોકાણ કરવામાં આવશે.ત્રીજા દિવસે ૩૧ મી ઓગષ્ટનાં રોજ સોમવારે સવારે પગપાળા કરી કાવડયાત્રીઓ કાવી કંબોઈના શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિર પહોંચશે જ્યાં પાવન નર્મદા જળથી મહાદેવજીને રુદ્ર અભિષેક કરી દર્શન સાથે પૂજા અર્ચના કરવામાં આવશે.યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભક્તોને આધ્યાત્મિક આનંદ, સંસ્કૃતિ સાથે જોડાણ તથા શાંતિ, એકતા અને ભક્તિભાવનો સંદેશ પ્રસારિત કરવાનો છે.
આ પત્રકાર પરિષદમાં હિન્દુ ધર્મ સેનાના અગ્રણીઓ રાહુલ વસાવા,પ્રતિક કાયસ્થ,અજય દવે, સતીષ વસાવા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.




