કોન્ટ્રાકટર અને પાલિકા તંત્રની બેદરકારી! : ભરૂચ નગર પાલિકાના સિવિલ કામમાં બાળમજૂરી કરાવતા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

SHARE:

– શ્રમ વિભાગે 13 વર્ષના બાળ શ્રમિકને મુક્ત કરાવ્યો : શ્રમ વિભાગ દ્વારા જીલ્લામાં કડક કાર્યવાહી કરે તે જરૂરી 

ભરૂચ,

ભરૂચમાં શ્રમ વિભાગે ૧૩ વર્ષના નિર્દોષ બાળકને બાળશ્રમિક તરીકે કામ કરાવતા તેને મુક્ત કરી કોન્ટ્રાકટર સામે એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચમાં બાળમજૂરી નાબૂદી માટે શ્રમ વિભાગની ટીમે હાથ ધરેલી કાર્યવાહીમાં એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે.જેમાં ભરૂચ નગરપાલિકાના સત્તાવાર વર્ક ઓર્ડર હેઠળ સ્ટેશન રોડ પર ચાલી રહેલા સિવિલ કામ માંથી એક ૧૩ વર્ષના નિર્દોષ બાળકને બાળશ્રમિક તરીકે કામ કરતો ઝડપી પાડી મુક્ત કરાવવામાં આવ્યો છે.

સરકારી કામમાં જ બાળમજૂરી થતી હોવાની આ ઘટનાને પગલે શ્રમ અધિકારીએ બેદરકાર કોન્ટ્રાક્ટર સામે એ ડિવિઝન પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.રેડ દરમ્યાન ઘટના સ્થળે કોન્ટ્રાક્ટરના જવાબદાર વ્યક્તિ તરીકે સુપરવાઈઝર ધામત હાર્દિક કિરણ હાજર હોવાનું પણ નોંધવામાં આવ્યું હતું.વધુ તપાસ દરમ્યાન સામે આવ્યું છે કે આ કામગીરી માટે ભરૂચ નગરપાલિકા દ્વારા ગત 30 માર્ચ 2026 ના રોજ કોન્ટ્રાક્ટર કૌશલ દેવીદાસ હરપલાણી (રહે.હનીપાર્ક રોડ, અડાજણ, સુરત) ને સત્તાવાર વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો.

ઉલ્લેખ્નીય છે કે કાયદામાં જોગવાઈ અનુસાર ૧૪ વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ બાળક પાસે કોઈપણ પ્રકારની મજૂરી કે જોખમી કામ કરાવી શકાતું નથી.બાળશ્રમિક પાસે કામ કરાવતા પકડાયેલા માલિક કે કોન્ટ્રાક્ટરને છ મહિનાથી લઈને બે વર્ષ સુધીની સખ્ત જેલની સજા થઈ શકે છે.ગુનેગારને ૨૦ હજારથી લઈને ૫૦ હજાર સુધીનો આર્થિક દંડ ફટકારવાની કાયદામાં કડક જોગવાઈ છે.જો કોઈ વ્યક્તિ બીજી વાર બાળમજૂરી કરાવતા પકડાય તો તેને ઓછામાં ઓછી ૧ વર્ષથી લઈને ૩ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

બાળ મજૂરીનો કાયદો હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા બાળ શ્રમિક પાસે મજૂરી કરાવતી હોય છે ત્યારે ભરૂચ જીલ્લો ઔદ્યોગિક જીલ્લો છે ત્યારે કોન્ટ્રાકટરો દ્વારા બાળ શ્રમિક પાસે મજૂરી કરાવતી હોવાના કિસ્સા સામે આવ્યા બાદ પણ પુનઃ તેનું પુનરાવર્તન થતું હોય છે. તેમ છતાં શ્રમ વિભાગ દ્વારા કોઈ કડક કાર્યવાહી નહિ થતા કોન્ટ્રાકટરોને કાયદાનો કોઈ ડર રહ્યો ન હોય તેમ લાગી રહ્યું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!