એકતા નગરની ઈમારતોને આદિવાસી સંસ્કૃતિની રંગત આપતું પીઠોરા આર્ટ

SHARE:

– ૧૨ હજાર વર્ષ જૂની આદિવાસી ચિત્રકળા ‘પીઠોરા આર્ટ’ને  નવી પેઢી સુધી જીવંત રાખતા કલાકાર પરેશભાઈ રાઠવા

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું એકતા નગર આજે માત્ર પર્યટન કેન્દ્ર જ નહીં, પરંતુ ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિનું પ્રતિક બની ગયું છે. દેશ-વિદેશમાંથી હજારો પ્રવાસીઓ દરરોજ અહીં આવી રહ્યા છે. આવાં સમયે, અહીંની ઈમારતોને આદિવાસી સંસ્કૃતિના રંગોથી સજાવનાર કલાકાર છે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પરેશ રાઠવા.

વર્ષ ૨૦૨૦થી પરેશ રાઠવા એકતા નગરની વિવિધ સરકારી ઈમારતોમાં પીઠોરા ચિત્રો દ્વારા આદિવાસી જીવનની ભાવના પ્રદર્શિત કરી રહ્યા છે, ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ૩૧મી ઓક્ટોબરે નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે આવી રહ્યાં છે, જેમના રોકાણ માટે તૈયાર કરાયેલા સર્કિટ હાઉસમાં પણ પરેશભાઈ રાઠવા દ્વારા વિશેષ પીઠોરા પેઈન્ટિંગ બનાવાયું છે, જેમાં પ્રકૃતિ, માનવજીવન અને સરદાર સાહેબના એકતાના સંદેશને સુંદર રીતે દોરવામાં આવ્યો છે.

પીઠોરા ચિત્ર નહીં, પરંતુ પ્રાચીન લિપિનું જીવંત સ્વરૂપ છે એમ કહેતા પરેશભાઈ જયંતિભાઈ રાઠવા જણાવ્યું હતું કે, છોટાઉદેપુરના આદિવાસી સમાજમાં પીઠોરા ચિત્રોને માત્ર કળા નહીં પરંતુ લખાણ તરીકે માનવામાં આવે છે. રાઠવા સમાજના લોકો આ ચિત્રોને વાંચી શકે છે, કારણ કે તેમાં દરેક આકૃતિનો પોતાનો અર્થ અને સંદેશ છે.

વધુમાં તેમણે જણાવ્યું કે ,“આ ચિત્રો દોરવામાં આવતા નથી, પણ લખવામાં આવે છે. પીઠોરા ચિત્રો એ પ્રાચીન સમયની લિપિ છે, જે પ્રકૃતિ સાથે માનવના અવિભાજ્ય સંબંધને દર્શાવે છે.”

તેમના જણાવ્યા મુજબ, પીઠોરા લિપિનું અસ્તિત્વ આશરે ૧૨ હજાર વર્ષ જૂનું છે. તેજગઢ નજીકના કોરાજ ગામની ગુફાઓમાં પથ્થર પર પીઠોરાનાં ચિત્રોના પુરાવા મળ્યા છે, જે માનવજાતની શરૂઆતના સમયના સંવાદનું સ્વરૂપ હતું.

પરંપરાને જીવંત રાખતા પરેશભાઈ રાઠવા છેલ્લા ૩૨ વર્ષથી ઘરની ઓસરીમાં બાબા પીઠોરાનાં ચિત્રો લખવાનું કામ કરે છે. ત્યારબાદ તેમણે કેનવાસ પર આ ચિત્રો દોરીને આદિવાસી સંસ્કૃતિને વૈશ્વિક મંચ પર પહોંચાડ્યું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!