નરેન્દ્ર મોદીના જન્મ દિને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખે ધજાગરા ઉડાવ્યા

SHARE:

– કર્મચારી પાસે કચરો નાંખવતા વિડિયો વાયરલ થતા કોંગ્રેસે ઉઠાવ્યા સવાલો

– કેમેરો જોતા જ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સહિત ટીમે ચાલતી પકડી

– ઠેર ઠેર રહેલ ગંદકી સાફ કરવાના બદલે સફાઈ કરેલ જગ્યાએ કચરો નાંખવી સફાઈનું માત્ર ફોટો સેશન કરવાનો હતો ઉદ્દેશ!

– પાલિકાના સદસ્યો ગેરહાજર રહી પ્રમુખ સામે વિરોધ નોંધાવ્યો

ભરૂચ,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિન નિમિત્તે દેશભરમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ ચાલી રહ્યો છે.જોકે આમોદ નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાનના નામે માત્ર નાટક કરવામાં આવી રહ્યું હોય અને ફોટો સેશન કરવાનો ઉદ્દેશ્ય હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સ્વછતા અભિયાનના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.

ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે ભારત સરકાર દ્વારા ૧૭ સપ્ટેમ્બર થી ૩૧ મી ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેના ઉપલક્ષમાં આજરોજ આમોદ નગરપાલિકા ખાતે આમોદ મામલતદારની હાજરીમાં સ્વચ્છતા અંગે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં ભાજપ શાસિત પાલિકાના સભ્યો ગેરહાજર રહ્યા હતા.જ્યારે પાલિકા ખાતે આયોજિત કાર્યક્રમમાં માત્ર કર્મચારીઓને હાજર રાખી કાર્યક્રમ આટોપી લેવામાં આવ્યો હતો.જેમાં પાલિકાના કર્મચારીઓ જ ખુરશી ઉપર બેઠેલા નજરે પડ્યા હતા.જ્યારે પાલિકાના શાસક પક્ષના ભાજપના ચૂંટાયેલા સદસ્યો પાલિકા પ્રમુખના વહીવટથી નારાજ હોય બાજુના રૂમમાં બેસી રહ્યા હતા. જેથી ખુરશીઓ ખાલી જોવા મળી હતી.કાર્યક્રમ પત્યા બાદ પાલિકા પ્રમુખ જલ્પા પટેલ તેમજ મુખ્ય અધિકારી દ્વારા સ્વચ્છતા અંગેના ફોટો સેશન કરાવવા માટે કર્મચારી મારફતે કચરો પાલિકા કમ્પાઉન્ડમાં નાંખવામાં આવ્યો હતો. જેનો વિડિઓ પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.જેથી પાલિકા પ્રમુખ જલ્પા પટેલ અને મુખ્ય અધિકારી પંકજ નાયકની નગરજનોને તેમજ ભાજપ સરકારને ઉલ્લુ બનાવવાની કરતૂતો કેમેરામાં કેદ થઈ ગઈ હતી.વૈશ્વિક નેતા એવા નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે ભારત સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.ત્યારે પાલિકા કારોબારીના રૂમમાં જાળા બાઝેલા જોવા મળ્યા હતા.તેમજ પાલિકા કમ્પાઉન્ડમાં કચરાના ઢગલા જોવા મળ્યા હતા.

આ અંગે યુથ કોંગ્રેસના કેતન મકવાણાએ ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે આમોદ નગરપાલિકા કંપાઉન્ડમાં સફાઈકર્મીઓએ સફાઈ કરી હતી. તેમ છતાંય આમોદ પાલિકાના મુખ્ય અધિકારી અને પ્રમુખ દ્વારા ફોટો શૂટ કરાવવા માટે જાણી જોઈને ત્યાં કચરો નંખાવે છે.આમોદ નગરપાલિકામાં એક તરફ ગંદકીના કારણે રોગચાળો અને મચ્છરોનો ઉપદ્રવના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે.ત્યારે પાલિકાના અધિકારીઓ માત્ર નગરમાં પણ આવી જ રીતે સફાઈ ફોટો સેશન જ કરી રહ્યા છે.તેના બદલે આમોદની જે પરિસ્થિતિ છે તેના માટે યોગ્ય પગલા ભરવાની માંગ કરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!