વડોદરા,
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકેએ ડિવિઝનના 41 રેલવે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન પરિચાલનમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કર્યા હતા.આ કર્મચારીઓ એ ફરજ દરમ્યાન તેમની સજાગતા અને સતર્કતાને કારણે અનિચ્છનીય ઘટનાઓને રોકવામાં તેમના યોગદાન માટે પ્રમાણપત્રો અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
વડોદરા ડિવિઝનના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેના દ્વારા જારી કરાયેલી એક અખબારી યાદી અનુસાર, મંડળ રેલ પ્રબંધક ભડકેએ એવોર્ડ વિજેતા કર્મચારીઓની સતર્કતાની પ્રશંસા કરતા કહ્યું કે આ બધા કર્મચારીઓ તેમના કાર્ય પ્રત્યે સમર્પિત રહીને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે.આ કર્મચારીઓએ વેગનમાંથી ધુમાડો નીકળતો જોવા, બ્રેક બાઈન્ડિંગ, તૂટેલા બોલ્સ્ટર સ્પ્રિંગ, તાત્કાલિક તેમના ઉપરી અધિકારીઓને જાણ કરવા, પાટા નજીક આગ ઓલવવા, માનવ જીવન બચાવવા વગેરે જેવા સલામતીના વિવિધ ક્ષેત્રોમાં સક્રિયપણે યોગદાન આપીને સલામત ટ્રેન સંચાલન સુનિશ્ચિત કરવા માટે તેમના અદમ્ય ઉત્સાહ અને પ્રતિબદ્ધતા દર્શાવી હતી.પશ્ચિમ રેલવેના વડોદરા મંડળને આ તમામ કર્મચારીઓ પર ગર્વ છે,જેમણે પોતાની ત્વરિત કાર્યવાહી અને સતર્કતાથી કોઈપણ અપ્રિય ઘટનાની સંભાવનાને સમયસર રોકવામાં મદદ કરવા બદલ તેઓને એવોર્ડ આપવામાં આવ્યા હતા.




