(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૧મી ઓક્ટોબરે નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે મુલાકાતે આવશે અને અનેક વિકાસ પ્રોજેક્ટ્સ સાથે “મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઈન્ડિયા (MORKI)” નું શિલાન્યાસ કરશે.
આ મ્યુઝિયમ ભારતના ભૂતપૂર્વ રાજવંશી રાજ્યોની વૈભવી સંસ્કૃતિ, સમૃદ્ધ વારસા અને ભારતના એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને ઉજવવા માટે નિર્માણ પામશે.લિંબડી ગામ નજીક ૫.૫ એકર વિસ્તારમાં ફેલાયેલું આ મ્યુઝિયમ રૂ.૩૬૭.૨૫ કરોડના ખર્ચે વિશ્વસ્તરીય ધોરણે તૈયાર થવાનું છે.ઓક્ટોબર ૨૦૨૭ સુધી તેનું નિર્માણ પૂર્ણ થવાનું અનુમાન છે.મ્યુઝિયમમાં ભારતના રાજવી રાજ્યોના જીવન, સંસ્કૃતિ અને યોગદાનને ઉજાગર કરવામાં આવશે.શરૂઆતની ગેલરીઓમા સામાજિક શૈક્ષણિક, આર્થિક અને ઢાંચાગત વિકાસમાં તેમનું યોગદાન તેમજ રાષ્ટ્રવાદના ઉદયને દર્શાવાશે.પછીની ગેલેરીઓમાં ભારતના એકીકરણ, “ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન”તથા સરદાર વલ્લભભાઈ પટેલની ઐતિહાસિક ભૂમિકાનું જીવંત પ્રદર્શન થશે.હોલ ઓફ યુનિટી વિભાગમાં ૫૬૨ રાજવી રાજ્યોના ધ્વજ, ચિહ્નો અને રાજમુદ્રાઓ પ્રદર્શિત થશે જે ભારતના એકીકરણની વાર્તાને જીવંત બનાવશે.
મ્યુઝિયમમાં ઇન્ટરેક્ટિવ ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.જેમાં લેડ સ્ક્રીનો, ટચસ્ક્રીન, VR અને પેનોરામિક પ્રોજેક્શન જેવી સુવિધાઓ મળશે.ભવનના આર્કિટેક્ચરલ ડિઝાઈનમાં ગ્રીન બિલ્ડિંગ ધોરણો, સોલાર લાઇટિંગ, ઓછી કાર્બન સામગ્રી અને ઊર્જા-સક્ષમ સિસ્ટમોનો સમાવેશ કરવામાં આવ્યો છે.વર્કશોપ (કારખાના), સ્મારક દુકાન,થીમેટિક કેફે અને બાળકો માટેના વિભાગ જેવી સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ રહેશે.
સરદાર સાહેબની જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસના પાવન અવસરે વડાપ્રધાન દ્વારા થનારી આ મ્યુઝિયમ પ્રોજેક્ટની શરૂઆત એકતા નગરનાવિકાસમાં નવો અધ્યાય લખશે.આ મ્યુઝિયમ માત્ર રાજવી વારસાનું સંવર્ધન જ નહીં કરે, પરંતુ ભારતના એકીકરણની અમર વાર્તાને નવી પેઢી સુધી પહોંચાડવાનું પ્રેરણાસ્રોત બની રહેશે.




