– મુખ્ય પોસ્ટ ઓફિસ અને તેની સાથે સાંકળયેલી તાલુકાની બ્રાન્ચ પોસ્ટ ઓફિસની કામગીરીને અસર
– સર્વરની સ્વીચ ફાયર થતાં સમસ્યા ઊભી થઈ
(જયશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા ની મુખ્ય પોસ્ટ ઓફિસમાં કોમ્પ્યુટર સર્વર સિસ્ટમ ગત તા.૮.૧૦.૨૫ થી એટલે કે છેલ્લા ત્રેવીસ દિવસથી બંધ રહેતા મુખ્ય પોસ્ટ ઓફિસને સંલગ્ન બ્રાન્ચ પોસ્ટ ઓફિસની કામગીરીને અસર થતા ઝઘડિયા તાલુકાના હજારો પોસ્ટ ગ્રાહકો અને એજન્ટો ત્રેવીસ દિવસથી હાલાકીનો સામનો કરી રહ્યા છે.ઝઘડિયા પોસ્ટ ઓફિસના સર્વરની સ્વીચ ફાયર થતાં સમસ્યા ઊભી થઈ છે.જવાબદાર પોસ્ટની બેદરકારીના પગલે સર્વર સિસ્ટમ બંધ રહેતા પોસ્ટની નવથી વધુ સેવાઓને અસર પહોંચી છે. ઝઘડિયા તાલુકા મથકે ભારતીય પોસ્ટની મુખ્ય પોસ્ટ ઓફિસ આવેલી છે.છેલ્લા કેટલા સમય થી અહીં અવારનવાર સર્વર સિસ્ટમમાં સમસ્યા ઉભી થયા કરે છે.આવી સમસ્યાના કારણે તાલુકાભરની બ્રાન્ચ પોસ્ટ ઓફિસને પણ અસર પહોંચે છે તેમ છતાં જિલ્લા પોસ્ટ ના જવાબદાર અધિકારીઓ દ્વારા સર્વર સિસ્ટમ ખરાબ થયા કરવાના બાબતે કોઈ ઠોસ નિરાકરણ લાવવામાં આવતું નથી. હાલમાં છેલ્લા ત્રેવીસ દિવસ થી ઝઘડિયા મુખ્ય પોસ્ટ ઓફિસના કમ્પ્યુટર સર્વર સિસ્ટમ માં ખરાબી આવી છે સિસ્ટમની કોઈ સ્વીચ ફાયર થઈ ગઈ હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યા છે,આટલા આટલા દિવસથી મુખ્ય સહીત બ્રાન્ચ પોસ્ટ ઓફિસોને અસર થયા બાદ પણ જવાબદાર પોસ્ટ અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી.થાય છે અને કરાઈ છે જેવી આળસ ભરેલી બેદરકારી દાખવાઈ રહી છે.ગ્રાહકો ધરમધક્કા ખાઈને રોજ પાછા જાય છે.ગ્રાહકોને રોજ એકજ જવાબ આપી દેવામાં આવે છે કે સર્વર ખરાબ થયું છે.સર્વર ક્યારે ચાલુ થશે તેનો કોઈ જવાબ ગ્રાહકને મળતો નથી.ઝઘડિયાની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે ઝઘડિયા જીઆઈડીસી, ઝઘડિયા કોર્ટ, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, નાયબ કલેક્ટર કચેરી ઉપરાંત હજારો ગ્રાહકોને ટપાલ,રજીસ્ટર એડી સહિત નાણાકીય રોકાણની યોજના ના અલગ અલગ કામો હોઈ છે તે બધીજ કામગીરી સામાન્ય બાબતે છેલ્લા ત્રેવીસ દિવસથી ખોરંભે પડી છે.ઝઘડિયા મુખ્ય પોસ્ટ ઓફિસનું કોમ્પ્યુટર સર્વર સિસ્ટમ ખરાબ થતા પોસ્ટની એનએસસી, કેવીપી,એમઆઈએસ, ટાઈમ ડિપોઝિટ,પીપીએફ, રજીસ્ટર એડી, રજીસ્ટર પાર્સલ, પીએલઆઈ, આરપીએલઆઈ જેવી મુખ્ય સેવાઓ બંધ છે.કોમ્પ્યુટર સર્વર સિસ્ટમ છેલ્લા સાત દિવસથી બંધ રહેતા મુખ્ય પોસ્ટ ઓફિસને સંલગ્ન બ્રાન્ચ પોસ્ટ ઓફિસની કામગીરીને અસર થતા ઝઘડિયા તાલુકાના હજારો પોસ્ટ ગ્રાહકો અને એજન્ટોને સામી દિવાળીએ અને દિવાળી બાદ પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે.સત્વરે પોસ્ટની સર્વર સિસ્ટમ સમારકામ કરી પોસ્ટના ગ્રાહકોની સેવા કાર્યાન્વિત કરવામાં આવે તે ઈચ્છનીય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત જુલાઈ માસમાં પણ ઝઘડિયા પોસ્ટ ઓફિસમાં સર્વરની સ્વીચ ફાયર થતા દશ થી વધુ દિવસ માટે પોસ્ટ ઓફિસની કામગીરી ઠપ થયેલ હતી.ત્યારે વારંવાર વીજ પ્રવાહના કારણે લાખો રૂપિયાની સર્વર સ્વીચ ફાયર થાય છે તે સામે ઝઘડિયા પોસ્ટ ઓફિસના જવાબદારો કેમ કોઈ પગલાં ભરતા નથી અને કેમ તેને અટકાવવાના પ્રયાસો કરવામાં આવતા નથી તેમ ગ્રાહકો માં ચર્ચા થઈ રહી છે.
– પોસ્ટ એજન્ટ કામગીરી વિલંબમાં થાય તો પોસ્ટ બે ટકા પેનલ્ટી વસુલે છે
ઝઘડિયા મુખ્ય પોસ્ટ ઓફિસના સર્વર ડાઉનના પગલે પોસ્ટના ગ્રાહકોની સાથે સાથે પોસ્ટના એજન્ટોને પણ હાડમારી ભોગવવી પડે છે, છેલ્લા ત્રેવીસ દિવસથી ઝઘડિયા પોસ્ટ ઓફિસમાં સર્વર ડાઉન થયું છે ત્યારે પોસ્ટના એજન્ટો પોસ્ટના ગ્રાહકોની રીપેરીંગ ઉપરાંત અન્ય રોકાણી ઓનલાઈનની કામગીરી કરી શકતા નથી, સર્વર ડાઉન હોવા છતાં જો પોસ્ટના એજન્ટ કામગીરી કરવામાં વિલંબ કરે તો તેમની પાસે બે ટકા પેનલ્ટી વસૂલવામાં આવતી હોય છે ત્યારે આ પોસ્ટની બેવડી નીતિથી ગ્રાહકોની સાથે સાથે એજન્ટો પણ ભીંસ માં આવ્યા છે,ચટ ભી મેરી ને પટ ભી મેરી નીતિથી એજન્ટો પણ જાય તો કહા જાયે જેવી પરિસ્થિતિમાં મુકાયા છે.







