– મુસાફરો દ્વારા પાણી પીવાના પ્લાસ્ટિકના ખાલી બોટલો અને કોલ્ડ્રિંગના ખાલી ટીનનો ક્યાં નિકાલ કરવો તે મૂંઝવણમાં
– બેદરકારી એસટી ડેપો વિભાગ કે ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશની?
ભરૂચ,
સાયખા ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા ભરૂચના ભોલાવ એસટી ડેપો ખાતે મૂકવામાં આવેલ પ્લાસ્ટિક બોટલ ક્રસિંગ મશીન હાલ બંધ હાલતમાં રહેતા પ્લાસ્ટિક મુક્ત અભિયાનના ધજાગરા ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.
ભરૂચ જીલ્લો ઔદ્યોગિક જીલ્લો હોવાથી અહીં નાના મોટા ઉદ્યોગો ધમધમી રહ્યા છે અને આ ઉદ્યોગો દ્વારા જીલ્લામાં વિવિધ સામાજિક, શૈક્ષણિક અને જરૂરિયાતમંદ લોકો માટે સીએસઆર પ્રવૃત્તિ કરવામાં આવે છે.ત્યારે ભરૂચના ભોલાવ ખાતે નવનિર્માણ એસટી ડેપોમાં રોજબરોજ મુસાફરોની અવરજવર રહે છે.ત્યારે મુસાફરો દ્વારા પીવાનું પાણી માટે વપરાતા પ્લાસ્ટિકના બોટલો ગમે ત્યાં ન નાંખે અને પ્લાસ્ટિક મુક્ત રહે તે માટે સાયખા ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા સ્વચ્છ ભારત તરફ એક પગલું આગળના સૂત્ર સાથે પ્લાસ્ટિક બોટલ ક્રસિંગ મશીન મૂકવામાં આવ્યું હતું.જે મશીન હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે.મશીનને ચાલુ કરવા માટે બાજુમાં મૂકેલ પાવર સપ્લાય બોર્ડ બંધ હાલતમાં રહેતા મશીનનો વાયર શોભાના ગાંઠીયા સમાન બનતા મશીનમાં ખાલી પ્લાસ્ટિકના બોટલો અને ટીનનો જમાવડો જોવા મળી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ડેપોમાં મૂકવામાં આવેલ મશીન ખરાબ છે કે બાજુમાં રહેલ પાવર સપ્લાયનું બોર્ડ તે એક ચર્ચાનો વિષય બન્યો છે.પરંતુ જો પ્લાસ્ટિક મુક્ત કરવાના અભિયાન હેઠળ જો આ મશીન મૂકવામાં આવ્યું હોય તો કોની બેદરકારીના કારણે હાલ મશીન બંધ હાલતમાં છે તે તપાસનો વિષય બનવા સાથે મશીન પાછળ વાપરવામાં આવેલ ખર્ચનો વ્યય થયો હોય તેમ લાગી રહ્યું છે.તો મશીન બંધ હોવાના કારણે ડેપોમાં આવતા મુસાફરો પાણીના ખાલી બોટલો અને કોલ્ડ્રિંગના ખાલી ટીનોનો ક્યાં નિકાલ કરવો તે મૂંઝવણમાં મુકાયા છે.




