ભરૂચ,
શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કૉમર્સ કૉલેજ અંકલેશ્વર જિનવાલા સભાખંડમાં જયશ્રી ચૌધરી કૃત “છિલુગરી” સંગોષ્ઠિ શ્રેણી (ભારતીય અને ગુજરાતી સાહિત્યના સંદર્ભે) કડી-1 અંતર્ગત કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને એડમિનિસ્ટ્રેટર ચિરાગભાઈ શાહ તથા કૉ-એડમિનિસ્ટ્રેટર બળવંતસિંહ પટેલ, મુખ્ય મહેમાન પદે પ્રખ્યાત ગુજરાતી લેખક અને વિવેચક ડૉ.ભરત મહેતા, અતિથિ વિશેષ પદે જાણીતા ગુજરાતી વિવેચિકા ડૉ. નિવ્યા પટેલ તથા ગુજરાતી વિભાગ પૂર્વ અધ્યક્ષ પ્રો. પ્રવીણકુમાર પટેલ, આચાર્ય ડૉ.જી.કે.નંદાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આચાર્ય ડૉ.જી.કે.નંદાએ શાબ્દિક સ્વાગત કરીને પ્રસ્તાવના બાંધી હતી.જયશ્રી ચૌધરીના વાર્તાસંગ્રહ ” સેવનટ્રીઝ” અને જયશ્રી ચૌધરીની વાર્તાઓનો પ્રશાંતકુમાર મોહન્તીએ કરેલો ઓડિયા અનુવાદ ” એક વાત” વાર્તાસંગ્રહનું વિમોચન કરવામાં આવ્યું હતું.
એડમિનિસ્ટ્રેટર ચિરાગભાઈ શાહે અધ્યક્ષીય પ્રવચન આપ્યું હતું.તેમણે સંસ્થાવતી લેખિકાની ઉપલબ્ધિઓ અને સર્જકતાની સરાહના કરી હતી.
જયશ્રી ચૌધરીએ સર્જક કેફિયત રજૂ કરી હતી. તેમણે સર્જન માટે પ્રેરક પરિબળોમાં અંકલેશ્વર કૉલેજ, મંત્રી તથા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ,ગુરૂ પ્રો.પ્રવીણકુમાર બી.પટેલ, સાહિત્યિક ગુરૂ ડૉ.જી.કે.નંદા, ગુરુજનો, માતા-પિતા, પરિવારજનો, મીડિયા,વિદ્યાર્થીઓ સૌને ગણાવ્યા હતા.અગ્રણી પ્રકાશક પાર્શ્વ પબ્લિકેશન દ્વારા અને ભરત મેહતાની પ્રસ્તાવના સાથે “છિલુગરી” પ્રગટ થઈ તથા કૉલેજના ઍડમિનિસ્ટ્રેટરોની ઉપસ્થિતિમાં મૂર્ધન્ય વિવેચકના વકતવ્યથી કડી-1 ના શુભારંભને સૌભાગ્ય ગણાવ્યું હતું.
ડૉ.ભરત મેહતાએ જયશ્રી ચૌધરી કૃત “છિલુગરી” સંગોષ્ઠિ શ્રેણી (ભારતીય અને ગુજરાતી સાહિત્યના સંદર્ભે) કડી-1 અંતર્ગત વક્તવ્ય આપ્યું હતું.તેમણે કહ્યું હતું કે ” છિલુગરી” ટેક્નિક અને કથાવસ્તુની દૃષ્ટિએ દળદાર સરસ નવલકથા છે.
કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ.જગદીશ કંથારીઆએ કર્યું હતું.આભારવિધિ પ્રો.હસમુખ પાટણવાડીયાએ કરી હતી.કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ કૉલેજ પરિવારે ખૂબ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં કવિ દેવાનંદ જાદવ, ઈ.એન.જિનવાલા હાઈસ્કૂલના આચાર્ય ઈશ્વરસિંહ પરમાર, એમટીએમ સ્કૂલના આચાર્યા નયનાબેન રાણા તથા સ્વામી વિવેકાનંદ સ્કૂલના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહીને મૂર્ધન્ય વિવેચક ડૉ.ભરત મહેતાને સાંભળ્યા હતા.







