(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
લોકસહયોગ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સહયોગ છાત્રાલય, માંકડઆંબામાં નવા પુસ્તકાલય ‘વિચાર વન’ નું લોકાર્પણ કાર્યક્રમ ઉત્સાહભર્યા અને પ્રેરણાદાયી વાતાવરણમાં સફળતાપૂર્વક યોજાયો હતો.
આ પ્રસંગે પ્રા.જિલ્લા શિક્ષણાધિકારી નિશાંતભાઈ દવે,ગરૂડેશ્વર પોલીસના રમેશભાઈ દેસાઈ, કુશુમબેન,ગરૂડેશ્વર તાલુકા પંચાયતના સભ્ય દક્ષાબેન તડવી, સ્થાનિક આગેવાનો, કારેલી તથા મોજરા ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યો શિક્ષકો, વિદ્યાર્થીઓ, બેંક ઓફ બરોડા (નસવાડી બ્રાંચ)ના મેનેજર સંતોષ સર, માંકડઆંબાના સરપંચ ચીમનભાઈ, ધામન્દ્રા ગામના સરપંચ ભાનુભાઈ તડવી, આદિવાસી એકતા મંચના આગેવાનો, યુવા મિત્રો તેમજ માંકડઆંબા અને આસપાસના ગામોના આગેવાનો-યુવાનો અને સહયોગ છાત્રાલયમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.પુસ્તકાલયનું લોકાર્પણ લાઈબ્રેરીના દાતા દિનેશભાઈ કડિઆના સુપુત્ર વૈભવભાઈ કડિઆના વરદ હસ્તે કરવામાં આવ્યું હતુ.
આ અવસરે સહયોગ છાત્રાલયના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા આદિવાસી નૃત્યોને સૌએ ભારે વખાણ સાથે આવકાર્યા હતાં.ઉપસ્થિત મહેમાનો દ્વારા પુસ્તક અને વાંચનના મહત્વ પર પ્રેરણાદાયી વિચારો રજૂ કરવામાં આવ્યા અને લોક સહયોગ ટ્રસ્ટના શૈક્ષણિક તથા સામાજિક પ્રયાસોને અભિનંદન પાઠવાયા હતા.
નર્મદા જિલ્લાના ઊંડાણના ગામ માંકડઆંબામાં ‘વિચાર વન’ પુસ્તકાલય શરૂ થતા હવે વિદ્યાર્થીઓ અને યુવાનો માટે પુસ્તકો, સામયિકો તેમજ દૈનિક અખબાર વાંચવાની સુવિધા ઉપલબ્ધ બની છે, જે શિક્ષણ, વિચાર અને વ્યક્તિત્વ વિકાસ માટે મહત્વપૂર્ણ પગથિયા સાબિત થશે.કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌને પ્રસાદ સ્વરૂપે પુસ્તકો ભેટ આપી વાંચન પ્રત્યેનો સંદેશ મજબૂત રીતે પહોંચાડવામાં આવ્યો હતો.




