– આયોજકો દ્વારા બુકિંગ ધારકોને રૂપિયા પરત કરશે?
ભરૂચ,
ભરૂચના ઝાડેશ્વર ખાતેના નર્મદા પાર્ક ખાતે યોજાનાર થર્ટી ફર્સ્ટ ની ઈવેન્ટની મંજૂરી તંત્ર દ્વારા રદ્દ કરવામાં આવતા આયોજકો અને બુકિંગ ધારકો ચિંતામાં મુકાયા હતા.
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં નર્મદા નદી કિનારે આવેલ નર્મદા પાર્ક ખાતે 31 મી ડિસેમ્બરની ઉજવણી માટે જીલ્લા પંચાયત સંચાલિત પાર્ક ભાડે આપવા બાબતે આરટીઆઈ એક્ટિવિસ્ટોએ વહીવટી તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરી હતી.રજૂઆતમાં જણાવાયું હતું કે નર્મદા પાર્કની આજુબાજુ અનેક ધાર્મિક સ્થળો આવેલાં છે અને અહીં મોટી સંખ્યામાં ઈવેન્ટનું આયોજન કરવામાં આવે તો શાંતિભંગ તેમજ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચવાની શક્યતા છે.
વધુમાં જણાવ્યું હતું કે જો આ પ્રકારની ખાનગી ઈવેન્ટોને નર્મદા પાર્કમાં પરવાનગી આપવામાં આવશે તો ભવિષ્યમાં નર્મદા પાર્કનો ઉપયોગ સતત ખાનગી કાર્યક્રમો માટે થવા લાગશે.જેના કારણે ઝાડેશ્વર વિસ્તારના લોકો તથા બહારથી આવનાર નાગરિકો માટે ફરવા લાયક સ્થળ તરીકે બગીચાનો ઉપયોગ બંધ થઈ જશે.આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી આવા ઈવેન્ટને પરમિશન ન આપવા અંગે તંત્રને અપીલ કરવામાં આવી હતી.રજૂઆત બાદ વહીવટી તંત્ર દ્વારા 31 ડિસેમ્બરની ઈવેન્ટની પરવાનગી ભરૂચ એસડીએમ દ્વારા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આરટીઆઈ એક્ટિવિસ્ટોના સભ્યોએ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો અને જાહેર સ્થળોના હિતમાં લેવામાં આવેલ આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો.




