ભરૂચ,
આમોદ તાલુકાના સુઠોદરા પ્રાથમિક શાળાના આચાર્યા રેખાબેન મકવાણાના સ્નેહમિલન કાર્યક્રમમાં શાળાના નવનિર્મિત પ્રવેશદ્વારનું ભરૂચ જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તથા ભરૂચ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ભરૂચ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ જગતમાં સતત ૨૬ વર્ષથી કર્મનીષ્ઠ શિક્ષક તરીકે સેવા બજાવતા રેખાબેન નાથાલાલનો જિલ્લા ફેરબદલી થવાથી સુઠોદરા પ્રાથમિક શાળામાં ગ્રામજનો દ્વારા સ્નેહમિલન તથા ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચ શિક્ષણ સમિતિના અઘ્યક્ષ સંજયસિંહ સિંઘા, ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિનકુમાર શાહ,પૂર્વ વન અને પર્યાવરણમંત્રી મૂકેશ પટેલના અંગત સચિવ એલ.કે.જોગલ,એસ.સી ભાજપા મોરચાના પ્રમુખ વસંત પરમાર અને પૂર્વ પ્રમુખ ચંદ્રકાંત જંબુસરીયા,આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રધ્યુમનસિંહ રાઉલજી સાથે ભરૂચ જિલ્લા અને આમોદ તાલુકાના શિક્ષણ જગતના તમામ નાના-મોટા અધિકારીઓએ આ પ્રસંગે હાજર રહયા હતા.ભરૂચ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ જગતમાં પ્રાથમિક શિક્ષકની બદલીમાં આટલા બઘા અધિકારીઓની ઉપસ્થિતિએ રેખાબેનની શ્રેષ્ઠ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.તેમણે અત્યાર સુધી મળેલા દાનમાંથી શાળાના વિકાસમાં અર્પણ કર્યા હતા.જેમાંથી તેમણે સ્મૃર્તિ ભેટ રૂપે સુઠોદરા પ્રાથમિક શાળા માટે પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યો હતો.જેનું આજે ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ સંજયસિંહ સિંઘા તથા ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સચિનકુમાર શાહના વરદહસ્તે રીબીન કાપી પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.તેમજ ભરૂચ જિલ્લા શિક્ષણ ઘટક સંઘને રૂ.૭૦૦૦ નો તથા આમોદ તાલુકા શિક્ષણ ઘટકસંઘને રૂ.૫૦૦૦ નો ચેક અર્પણ કરી પોતાની શિક્ષણ પ્રત્યેની કર્મનિષ્ઠાનો પરિચય બધાને કરાવ્યો હતો.
રેખાબેનના વિદાય સમારંભ પ્રસંગે ભરૂચ જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તથા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા સન્માન પત્ર આપવામાં આવ્યું હતું.સુઠોદરાના ગ્રામજનો તેમજ તાલુકા શિક્ષણ સંઘ દ્વારા સન્માન પત્ર આપવામાં આવ્યું હતું.તેમજ વીર મેઘમાયા સેવા સમિતિ તરફથી સન્માન કરવામાં આવ્યું હતું.ભાજપા મોરચાના વસંત પરમાર દ્વારા ૫૦૦૦ રૂપિયાની રોકડ ભેંટ આપી રેખાબેન મકવાણાની શિક્ષણ સેવાને બિરદાવી હતી.
સુઠોદરા પ્રાથમિક શાળાના સર્વેના હિતેચ્છુ અને વ્હાલા રેખાબેનના આ વિદાય પ્રસંગ તથા તેમના દ્વારા નવનિર્મિત પ્રવેશદ્વારના લોકાર્પણ કાર્યક્રમને સફળ બનાવવા શાળા એસ.એમ.સી પરિવાર,શાળા પરિવાર, ગામના વડીલો, આગેવાનો, અબાલ-વૃધ્ધ, શાળાના વર્તમાન ભૂતપૂર્વ તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જેહમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વાગરા તાલુકા કન્યા શાળાના તાલુકા શ્રેષ્ઠ શિક્ષક નેહાબેન કડીયાએ કર્યું હતુ.
– ૨૬ વર્ષની શિક્ષણ યાત્રામાં રેખાબેન મકવાણાએ ૧૨ એવોર્ડ મેળવ્યા
રેખાબેને ૨૬ વર્ષની તેમની શિક્ષણ યાત્રામાં તેમણે આમોદ તાલુકા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ-૨૦૧૯, પ્રતિભાશાળી શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ-૨૦૨૦, ભરૂચ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ-૨૦૨૧,પૂ મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ પારિતોષિક એવોર્ડ-૨૦૨૩, ગુજરાત રાજય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ-૨૦૨૩, ગુજરાત સેવારત્ન એવોર્ડ-૨૦૨૩, શ્રી વણકર સમાજ યુવા સંગઠન સેવા ટ્રસ્ટ એવોર્ડ-૨૦૨૪, ગુજરાત સિનેમિડિયા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ -૨૦૨૪, વલ્ડવાઇડ બુક ઓફ રેકોર્ડ એવોર્ડ-૨૦૨૪, પર્યાવરણ સંરક્ષક એવોર્ડ-૨૦૨૫ શ્રીમુકત જીવન પર્યાવરણમિત્ર એવોર્ડ-૨૦૨૫,ગુજરાત ગૌરવ એવોર્ડ-૨૦૨૫ જેવી અનેકવિધ સિધ્ધિઓ હાંસલ પ્રાપ્ત કરીને શિશણ જગતમાં પ્રેરણારૂપ કામગીરી કરી હતી.




