ભારતે પાકિસ્તાનને પહલગામ આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે. તેના 9 આતંકી ઠેકાણાઓ સામે જોરદાર કાર્યવાહી કરતાં મોડી રાતે હવાઈ હુમલા કરી કહેર વરસાવ્યો હતો. ભારતની આ કાર્યવાહી બાદ પાકિસ્તાન અકળાયું હતું અને એલઓસી પર અવળચંડાઇ કરતાં આડેધડ ફાયરિંગ કર્યું હતું જેમાં તોપ અને મોર્ટાર મારો કરી ગોળીબાર કર્યું હતું. આ પાકિસ્તાની હુમલામાં એક મહિલા અને બે બાળક સહિત કુલ 7 ભારતીય નાગરિકો મૃત્યુ પામી ગયા છે જ્યારે 38 થી વધુ ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે.
અધિકારીઓએ જણાવ્યું કે તમામ સાત નાગરિકોના મોત સૌથી વધુ પ્રભાવિત પૂંછ જિલ્લામાં થયા હતા. જોકે અન્ય 25 લોકો પણ અહીં જ ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે બારામૂલ્લા જિલ્લાના ઉરી સેક્ટરમાં 10 અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને રાજૌરીમાં પણ ત્રણ લોકો ઘાયલ થવાની માહિતી સામે આવી છે.
ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની સૈન્ય સુવિધા પર નહીં પરંતુ આતંકવાદીઓના ઠેકાણા પર સફળ એરસ્ટ્રાઈક કરવામાં આવી છે. એરસ્ટ્રાઈક બાદ ભારતીય સેનાએ ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યું છે, કે ‘ન્યાય થયો, જય હિન્દ’. ભારતીય સેનાએ કોટલી, બહાવલપુર, મુઝફ્ફરાબાદ પર મિસાઇલથી હુમલો પણ કર્યો છે. ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે જેનો BSF જડબાતોડ જવાબ આપી રહી છે. ANI અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વરિષ્ઠ અધિકારીઓ સાથે સતત ઓપરેશન સિંદૂર પર નજર રાખી રહ્યા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર ભારતીય સેનાએ મુખ્યત્વે આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદ અને લશ્કરના ઠેકાણાઓને નિશાને લીધા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is